
બોટાદ, 13 નવેમ્બર (હિ.સ.) : બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં અણીયાળી રોડ પર આવેલા ભંગારના ડેલામાં મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. રાત્રિના આશરે 1 વાગ્યાના સુમારે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ભંગારના ડેલામાં આગ લાગતાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ બોટાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ભંગારના ડેલામાં વિવિધ પ્રકારનો સામાન રાખવામાં આવ્યો હોવાથી આગ વધુ પ્રસરે નહીં તે માટે ફાયર વિભાગની ટીમે તકેદારીપૂર્વક કામગીરી હાથ ધરી હતી.
મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે, આગ કયા કારણોસર લાગી અને તેમાં કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો સામે આવવાની બાકી છે. આગની ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA