
પોરબંદર, 13 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારોમાં હાલ વિદેશી કુંજ પક્ષીઓનો મોટો જમાવડો
જોવા મળી રહ્યો છે. શિયાળાની ઋતુની શરૂઆત
સાથે જ વિદેશી પક્ષીઓ પોરબંદરને પોતાનું
આશ્રય સ્થાનબનાવી રહ્યા છે. આ પક્ષીઓના આગમન
પાછળનાં કારણો અંગે પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિ
સોસાયટીના ડૉ. સિદ્ધાર્થ ગોકાણીએ રસપ્રદ માહિતી
આપી હતી.
ડૉ. સિદ્ધાર્થ ગોકાણીના જણાવ્યા
અનુસાર, શિયાળાની ઋતુ દરમિયાન મુખ્યત્વે બે
પ્રકારની કુંજ વિદેશમાંથી પોરબંદર તથા આસપાસના
વિસ્તારોમાં સ્થળાંતર કરીને આવે છે. સાઇબેરિયા
સહિતના અત્યંત ઠંડા પ્રદેશોમાં વસવાટ કરતાં આ
પક્ષીઓ ત્યાં તાપમાન ઘટતાં ખોરાકની શોધમાં
અનુકૂળ વાતાવરણ ધરાવતા વિસ્તારો તરફ પ્રયાણ
કરે છે.પોરબંદરનું વાતાવરણ અને અહીં ઉપલબ્ધ
ખોરાક તેમને અનુકૂળ આવતાં દર વર્ષે મોટી
સંખ્યામાં કુંજ અહીં મહેમાન બને છે. પોરબંદરમાં આ પક્ષીઓ મોટી સંખ્યામાં
જોવા મળવાનું એક મહત્ત્વનું કારણ તેમનો
સ્થળાંતરનો નિર્ધારિત માર્ગ છે. પૃથ્વી પર આવેલા
વર્લ્ડ બર્ડ માઇગ્રેટરી રૂટ પૈકીનો માર્ગ પોરબંદરના
અક્ષાંશ અને રેખાંશ પરથી પસાર થતો હોવાથી
હજારોની સંખ્યામાં નહીં, પરંતુ કેટલીક વખત લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીં જોવા મળે છે. પક્ષીઓના સ્થળાંતર અંગે એક રસપ્રદ બાબત પણ સામે આવી છે. ભૂતકાળમાં પોરબંદરમાં
એવી કુંજ જોવા મળી હતી, જેના પગમાં ઓળખ માટે ટેગ લગાવવામાં આવ્યું હતું. આ ટેગની
વિગતો તપાસતાં જાણવા મળ્યું હતું કે તે કુંજ
અગાઉ મંગોલિયામાં જોવા મળી હતી. ત્યારબાદ એ
જ કુંજ બીજા વર્ષે પોરબંદરમાં જોવા મળતાં
પક્ષીઓના લાંબા અંતરના સ્થળાંતર અંગે મહત્ત્વની માહિતી મળી હતી. પોરબંદર પક્ષીઓ માટે અનુકૂળ બનવાનું
બીજું મોટું કારણ અહીં આવેલાં જળાશયો છે.
પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં આશરે 20થી 21 વેટલેન્ડ જળાશયો આવેલાં છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીનું મોટા પ્રમાણમાં
ઉત્પાદન થતું હોવાથી પક્ષીઓને પૂરતો ખોરાક પણ
મળી રહે છે. પાણી અને ખોરાકની ઉપલબ્ધતા કુંજ
સહિતનાં વિદેશી પક્ષીઓને પોરબંદર તરફ આકર્ષે
છે. હાલ પોરબંદરમાં ધીમે ધીમે શિયાળાની
શરૂઆતથઈ રહી છે. જોકે, દિવસ દરમિયાન સવારથી સાંજ સુધી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે સાંજ, રાત્રિ અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા
મળી રહ્યો છે. બીજી તરફ, આ વર્ષે પોરબંદર શહેર અને જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું
રહ્યું છે.જેના કારણે જળાશયોમાં પાણીની ઉપલબ્ધતા
પણ પક્ષીઓના વસવાટ માટે મહત્ત્વપૂર્ણ બની
રહેશે.
ડૉ. ગોકાણીના જણાવ્યા અનુસાર, કુંજ પક્ષીઓને સામાન્ય રીતે એકથી દોઢ ફૂટ જેટલા
પાણીની જરૂરિયાત રહેતી હોય છે. તેથી જે વિસ્તારોમાં આટલી ઊંડાઈનું પાણી ઉપલબ્ધ હશે તે વિસ્તારોમાં હાલ કુંજ
પક્ષીઓનો વધુ જમાવડો જોવા મળી શકે છે.
આમ, પોરબંદરની ભૌગોલિક સ્થિતિ, જળાશયો અને
ખોરાકની ઉપલબ્ધતાના કારણે દર વર્ષે શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓ માટે પોરબંદર મહત્ત્વનું આશ્રયસ્થાન બની રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya