
મહાનગરપાલિકાની વિશેષ પહેલથી તહેવારના દિવસે જાહેર પરિવહન સેવાનો બહોળો ઉપયોગ થયો
જામનગર, 13 નવેમ્બર (હિ.સ.) : ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે સિટી બસ સેવામાં નિઃશુલ્ક મુસાફરીની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તા. ૧૧ નવેમ્બરના રોજ શહેરના તમામ રૂટ પર દોડતી ૫૦ ઈ-બસમાં આખો દિવસ વિનામૂલ્યે મુસાફરી કરવાની આ યોજનાનો કુલ ૯,૫૨૧ મુસાફરોએ પ્રત્યક્ષ લાભ લીધો હતો.
ભાઈ-બહેન તહેવારના દિવસે એકબીજાના નિવાસસ્થાને સરળતાથી અવરજવર કરી શકે તેવા મુખ્ય હેતુથી મહાનગરપાલિકા દ્વારા આ આયોજન કરાયું હતું. જામનગર મહાનગરપાલિકા અને જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી આ લોકભોગ્ય પહેલને નગરજનો તરફથી અત્યંત સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. એક જ દિવસમાં હજારો નાગરિકોએ સિટી બસ સેવાનો ઉપયોગ કરીને તહેવારની ઉજવણી કરી હતી.
આ સફળ આયોજન બદલ મહાનગરપાલિકા દ્વારા તમામ નગરજનો તથા સિટી બસ સેવાના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથોસાથ, પર્યાવરણ રક્ષણ અને ટ્રાફિક નિયંત્રણ માટે રોજિંદી મુસાફરીમાં પણ ખાનગી વાહનોના બદલે સિટી બસ સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે નગરજનોને ખાસ અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt