
જુનાગઢ 13 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ બાગાયત કચેરી દ્વારા 'નહિ નફો નહિ નુકસાન'ના ધોરણે શાકભાજીના બિયારણનું વેચાણ કરવામાં આવશે. શિયાળુ ઋતુમાં શહેરીજનો પણ પોતાના ઘર આંગણે કિચન ગાર્ડન બનાવી શકે તે હેતુથી રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા વિવિધ શાકભાજી બિયારણ જેવા કે ગાજર, મુળા, બીટ, પાલક, તાંદલજો, વટાણા અને આ ઉપરાંત ટમેટા, ભીંડા, ગુવાર, ચોળી, દુધી, તુરીયા, ગલકા, કાકડી, રીંગણ વિગેરેના પેકેટ બનાવી, “નહિ નફો નહિ નુકસાન”ના ધોરણે વેચાણ કરવામાં આવે છે.
આ ઉપરાંત, કચેરી ખાતે શહેરીજનોને કિચન ગાર્ડન અંગે જરૂરી તાંત્રીક માર્ગદર્શન અને એક દિવસીય તાલીમ પણ આપવામાં આવે છે. શાકભાજી બિયારણ અને ખાતરનું વેચાણ નાયબ બાગાયત નિયામકની કચેરી, નિલમ બાગ, લઘુ કૃષિભવન, બહુમાળી ભવનની સામે, જૂનાગઢ (ફોન નંબર: ૦૨૮૫-૨૬૩૫૦૧૯) ખાતે કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ