


ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે 12થી 18 નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન; 15 નવેમ્બરે મહાનગરપાલિકા કક્ષાએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાશે
કચ્છ, 13 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં જનજાતીય સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરવા માટે જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંગે મીડિયાને માહિતગાર કરવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમોની વિગતો રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. તેમણે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે આયોજિત જનજાતીય ગૌરવ સપ્તાહના આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજના ઐતિહાસિક યોગદાન, સાંસ્કૃતિક વારસો, જીવનશૈલી અને પરંપરાઓને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવાનો છે.
પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા અનુસાર, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે સમગ્ર આયોજન અંતર્ગત 12 નવેમ્બરથી 18 નવેમ્બર, 2026 દરમિયાન 'જનજાતીય ગૌરવ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવશે. જ્યારે 15 નવેમ્બર, 2026ના રોજ મુખ્ય જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પણ આ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં ગાંધીધામનાં મેયર દિવ્યાબેન નાથાણી, મહાનગરપાલિકાના કમિશનર બી.ડી. ડાવેરા, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરું અને દંડક સુરેશભાઈ ધુઆ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કુલ 17 પત્રકારોએ હાજરી આપી હતી.
જનજાતીય ગૌરવ સપ્તાહ માત્ર એક ઉજવણી પૂરતું સીમિત ન રહે, પરંતુ આદિવાસી સમાજના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રહેલા યોગદાન અને સાંસ્કૃતિક ઓળખ અંગે નવી પેઢીમાં જાગૃતિ કેળવવાનું માધ્યમ બને તેવા આશય સાથે આ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકાની આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આગામી કાર્યક્રમોની રૂપરેખા મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar