
- પકડાયેલા આરોપીઓનો અગાઉના ચોરીના ગુનાઓમાં પણ હાથ હોવાનું ખુલ્યું
કચ્છ, 13 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં ચોરીના બનાવો સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતી કાર્યવાહી વચ્ચે કંડલા મરીન પોલીસે ઘરફોડ ચોરીના એક ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. નવા કંડલામાં આવેલી મોબાઈલની દુકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના મોબાઈલ ફોન અને રોકડની ચોરી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી ચોરાયેલા 17 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં પકડાયેલા આરોપીઓ અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો મુજબ, તા. 11 નવેમ્બર, 2026ના રોજ કંડલા મરીન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તસ્કરોએ દુકાનના ઉપરના ભાગે ચડી સિમેન્ટનું પતરું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાં રાખેલા અલગ-અલગ કંપનીના કુલ 23 નવા મોબાઈલ ફોનની ચોરી કરી હતી. એક મોબાઈલની અંદાજિત કિંમત રૂ. 20 હજાર લેખે કુલ રૂ. 4.60 લાખના મોબાઈલ ઉપરાંત રોકડના ખાનામાંથી રૂ. 3 હજાર મળી કુલ રૂ. 4.63 લાખની મત્તા ચોરવામાં આવી હતી. એટલું જ નહીં, દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેની કિંમત રૂ. 4 હજાર જણાવાઈ છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કંડલા મરીન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. વસાવાના નેતૃત્વમાં તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈ શંકાસ્પદોની ઓળખ કરી ત્રણેયને ઝડપી પાડ્યા હતા.
પોલીસે પકડેલા આરોપીઓમાં ખારીરોહરના કબરા કોલોનીમાં રહેતો 19 વર્ષીય આરીફ અબ્દુલ ભટ્ટી, નવા કંડલામાં માછલી માર્કેટ સામે રહેતો અને મૂળ નાની ચિરઈનો 19 વર્ષીય હસણ અબ્દુલ કોરેજા તથા નવા કંડલામાં પાણીના ટાંકા પાસે રહેતો અને મૂળ ખારીરોહરનો 19 વર્ષીય મોહમ્મદ હનીફ ઇકબાલ પરીટનો સમાવેશ થાય છે.
આરોપીઓ પાસેથી રૂ. 3.40 લાખની કિંમતના 17 મોબાઈલ ફોન, રૂ. 550 રોકડા અને એક સ્કૂલ બેગ મળી આવી છે. નોંધનીય છે કે આરીફ ભટ્ટી સામે અગાઉ કંડલા મરીન પોલીસ મથકમાં ચોરી અને ચોરીના મુદ્દામાલને લગતી કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. જ્યારે હસણ કોરેજા સામે વર્ષ 2025માં ઘરફોડ ચોરી તથા વર્ષ 2022માં ચોરી, ઘરફોડ અને રાત્રિના સમયે ઘરમાં ગેરકાયદે પ્રવેશ સહિતની કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આમ, અગાઉના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ત્રણેય યુવાનોને ઝડપી પાડી કંડલા મરીન પોલીસે ચોરીના બનાવનો ભેદ ઉકેલ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને બાકીના મુદ્દામાલ તથા ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar