
- પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમી બની પોલીસ માટે સફળતાની કડી.- ચોરીમાં ગયેલું GJ-39-H-8935 નંબરનું એક્ટિવા કબજે કરાયું.
કચ્છ, 13 નવેમ્બર (હિ.સ.) : ગાંધીધામ શહેર અને આસપાસના વિસ્તારોમાં વાહનચોરી સહિતના મિલકત સંબંધી ગુનાઓને અંકુશમાં લેવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને સર્વેલન્સની કામગીરી તેજ બનાવવામાં આવી રહી છે. ત્યારે કિડાણા સોસાયટી વિસ્તારમાંથી ચોરાયેલા એક્ટિવાની ઘટનાનો ભેદ ઉકેલવામાં ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. પોલીસે ચોરીમાં ગયેલું અંદાજે રૂ. 94 હજારની કિંમતનું એક્ટિવા કબજે કરી આ ગુનામાં સંડોવાયેલા 20 વર્ષીય યુવકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોર દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અને વાહનચોરીના બનાવો અટકાવવા તેમજ આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્ત્વોને શોધી કાઢવા પોલીસ તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અંજાર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ ‘બી’ ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ રાખી વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફને સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાઓના અનુસંધાને સર્વેલન્સ ટીમના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ગાંધીધામ GIDC વિસ્તારમાં નારીચણીયા હનુમાન મંદિર પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી કિડાણા સોસાયટી વિસ્તારમાં થયેલી એક્ટિવા ચોરીના ગુનામાં સંડોવાયેલા મૌલિક નરભેરામ પરમાર (રહે. મકાન નં. 357, અપનાનગર, કિડાણા, તા. ગાંધીધામ)ને ચોરીના વાહન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે તેની પાસેથી રજીસ્ટ્રેશન નંબર GJ-39-H-8935 ધરાવતું એક્ટિવા કબજે કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 94,000 આંકવામાં આવી છે. આ કાર્યવાહીથી ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળના વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં વાહનચોરીના બનાવો સામે પોલીસની આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar