
બંદર રોડ પર આવેલી એસોસિએશનની કચેરી ખાતે શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે પૂજન કાર્યક્રમ યોજાયો હતો
કચ્છ, 13 નવેમ્બર (હિ.સ.) :માંડવીના વેપારી વર્તુળમાં નવા નાણાકીય નહીં પરંતુ પરંપરાગત વેપારી વર્ષની શરૂઆત ઉત્સાહ અને આસ્થાભેર કરવામાં આવી હતી. વર્ષોની પરંપરા જાળવી માંડવી મર્ચન્ટ એસોસિએશન દ્વારા કારતક સુદ બીજના પવિત્ર દિવસે કાંટાપૂજન અને લક્ષ્મીપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિ સાથે શરૂ થયેલા નવા વેપારી વર્ષના પ્રથમ દિવસે જ જથ્થાબંધ બજારમાં અંદાજે રૂ. 2 કરોડનો વેપાર નોંધાતાં વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
બંદર રોડ પર આવેલી એસોસિએશનની કચેરી ખાતે શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે પૂજન કાર્યક્રમ યોજાયો હતો. વેપાર-ધંધામાં સમૃદ્ધિ, ધનધાન્યની વૃદ્ધિ અને સમગ્ર વર્ષ દરમિયાન સુખાકારી જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે વેપારીઓએ નવા વર્ષની શરૂઆત કરી હતી. આ પ્રસંગે એસોસિએશનના હોદ્દેદારો, વેપારીઓ અને બજાર સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષે ઓછા વરસાદની અસર ખેતીના ઉત્પાદન પર જોવા મળી હોવા છતાં માંડવીના વેપાર બજારે પ્રથમ દિવસે જ આશાસ્પદ શરૂઆત કરી હતી. કપાસ, એરંડા, મગફળી અને તલ જેવા કૃષિ પાકોની ખરીદી-વેચાણ ઉપરાંત ખાંડ, તેલ, મગ, ઘઉં, ચોખા સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના વેપારમાં પણ સારી હિલચાલ જોવા મળી હતી. વિવિધ વેપારીઓએ નવા વર્ષની શરૂઆતમાં જ માલની ખરીદી અને વેચાણના સોદા કરીને બજારમાં વ્યાપારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો હતો.
પૂજનવિધિ દરમિયાન સંસ્થાના પ્રમુખ દિનેશ શાહ તથા અન્ય સહભાગીઓ દ્વારા મુખ્ય કાંટાપૂજન કરવામાં આવ્યું હતું. સહમંત્રી મુકેશ ભાનુશાળીએ કાંટાપૂજનની વિધિ નિભાવી હતી, જ્યારે ઉપપ્રમુખ લલિત મહેતા અને મંત્રી ગૌરવ શાહે નાળિયેરવિધિ કરી હતી. સમગ્ર ધાર્મિક આયોજન જશેશ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરાવવામાં આવ્યું હતું.
નવા વર્ષની પરંપરા મુજબ શુકનવંતી ખરીદીમાં મુકેશ ભાનુશાળીએ મગની ખરીદી કરી હતી. ભાનુ ટ્રેડિંગ કંપનીએ તલની અને અંકિત ટ્રેડર્સે મગની ખરીદી કરી હતી. હરિ ઓમ ટ્રેડર્સ દ્વારા કપાસની ત્રણ ગાડીનો વેપાર કરવામાં આવ્યો હતો. મગફળીની ખરીદી પણ આશરે રૂ. 3,300ની આસપાસના ભાવે કરવામાં આવી હતી.
આમ, ધાર્મિક આસ્થા, વર્ષોની પરંપરા અને વેપારી ઉત્સાહના સંગમ સાથે માંડવીના જથ્થાબંધ બજારમાં નવા વેપારી વર્ષની શરૂઆત આશરે બે કરોડ રૂપિયાના વ્યવહાર સાથે થતાં આગામી દિવસોમાં પણ બજારમાં સારો વેપાર રહેવાની આશા વેપારીઓમાં જાગી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar