
અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાખાપાદર ગામેથી વન વિભાગે એક દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. ગામ અને આસપાસના વિસ્તારમાં દીપડાની અવરજવરને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ખાસ કરીને ગામની સીમમાં ખેતીકામ કરતા ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોમાં જંગલી પ્રાણીઓની અવરજવરને લઈને ચિંતા જોવા મળતી હોય છે.
દીપડાને પાંજરે પૂરવામાં આવતા વન વિભાગની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીપડાનું આરોગ્ય પરીક્ષણ સહિતની જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને આસપાસના ગીર વિસ્તારના ગામોમાં સિંહ અને દીપડા સહિતનાં વન્યપ્રાણીઓની અવરજવર જોવા મળતી હોય છે. આવા સંજોગોમાં ગ્રામજનોએ સાવચેતી રાખવી અને વન્યપ્રાણી દેખાય તો તેની જાણ તાત્કાલિક વન વિભાગને કરવી જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai