
ભાવનગર,13 નવેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબુકવડ ગામે વન વિભાગની રેસ્ક્યુ ટીમને દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી છે. ગામના વાડી વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતાં ટીમ દ્વારા દીપડાને પકડવા માટે વાડી વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
દરમિયાન વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો આવી જતાં તેને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ હબુકવડ ગામ સહિત આસપાસના વિસ્તારોના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ખાસ કરીને વાડી વિસ્તારમાં ખેતીકામ કરતા ખેડૂતો અને ખેતમજૂરોમાં દીપડાની હાજરીને લઈને ચિંતા જોવા મળી રહી હતી.
દીપડો પાંજરે પુરાયા બાદ વન વિભાગની રેસ્ક્યુ ટીમે જરૂરી કાર્યવાહી હાથ ધરી તેને સુરક્ષિત રીતે અન્ય સ્થળે લઈ જવાની કામગીરી કરી હતી. વન વિભાગની ટીમની કામગીરીથી ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA