
સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કામરેજના દલપતરામ હોલ ખાતે યુવા સંમેલન યોજાયું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતીય નાયકોના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો હતો.
ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજ શાસન સામે લડત આપવાની સાથે આદિવાસી સમાજમાં આત્મસન્માન, એકતા અને જાગૃતિની ભાવના પ્રગટાવી હતી. તેમને સમગ્ર જનજાતીય સમાજ ‘ધરતી આબા’ તરીકે ઓળખે છે. વર્ષ 2021થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણય અનુસાર 15 નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આદિવાસી સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમનું પ્રતીક છે.
વક્તાઓએ બિરસા મુંડાના જીવનસંઘર્ષ, સમાજજાગૃતિ અને અધિકારો માટેની લડતને યાદ કરી યુવાનોને વ્યસનોથી દૂર રહી શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તરફ આગળ વધવા અપીલ કરી હતી.
મંડવી પ્રાયોજના કચેરીના મનીષભાઈએ સ્વાગત પ્રવચન સાથે સરકારી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કૌશલભાઈ પટેલ, બચુભાઈ રાઠોડ, સુમનબેન રાઠોડ, ચેતનભાઈ પટેલ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે