
મહેસાણા, 13 નવેમ્બર (હિ.સ.) : ખેડૂતોને સબસિડીયુક્ત ખાતર સરળતાથી અને સમયસર મળી રહે તે માટે મહેસાણા જિલ્લામાં ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ (FSAS) અંતર્ગત ખાતરના પ્રિ-બુકિંગ માટેના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 12 નવેમ્બરથી શરૂ થયેલી આ વ્યવસ્થા હેઠળ ખેડૂતો હવે મોબાઈલ એપ્લિકેશન મારફતે નજીકની ખાતર દુકાન અથવા સહકારી મંડળીમાંથી જરૂરી ખાતરનું અગાઉથી બુકિંગ કરાવી શકશે.
મહેસાણા નાયબ ખેતી નિયામક વિસ્તરણની યાદી મુજબ, ભારત સરકાર દ્વારા ખાતરના વેચાણ અને વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા આ ડિજિટલ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. ખેડૂતો પોતાના મોબાઈલમાં ‘Framework for Fertilizer Sale’ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ખાતરનું પ્રિ-બુકિંગ કરી શકશે. આથી ખાતરની ઉપલબ્ધતા અંગે અગાઉથી માહિતી મળશે અને ખરીદી સમયે દુકાનો તથા સહકારી મંડળીઓમાં થતી ભીડ અને લાંબી કતારોથી રાહત મળશે.
આ વ્યવસ્થાથી ખાતરના વિતરણમાં પારદર્શિતા વધવાની સાથે ખેડૂતોને સમયસર ખાતર મળી રહેવામાં મદદ મળશે. જિલ્લાના ખાતર વિક્રેતાઓ અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને એપ્લિકેશનના ઉપયોગ અંગે માર્ગદર્શન અને સહાય આપવામાં આવશે. આ સુવિધાનો લાભ લેવા માટે ખેડૂતો પોતાના ગામના ગ્રામસેવક અથવા નજીકની કૃષિ કચેરીનો સંપર્ક કરી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR