

મહેસાણા, 13 નવેમ્બર (હિ.સ.) : વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના સાનિધ્યમાં યોજાઈ રહેલા વિશ્વશાંતિ મહાયજ્ઞના ત્રીજા દિવસે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાયાં હતાં. વિશ્વકલ્યાણ અને લોકમંગળની ભાવના સાથે યોજાઈ રહેલા આ મહાયજ્ઞમાં 10,544 વૈદિક મંત્રોની આહુતિ સાથે ઋગ્વેદ સંહિતા હોમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ત્રીજા દિવસના કાર્યક્રમમાં ગૌપૂજા, હાથી પૂજા, ઘોડા પૂજા અને ઊંટ પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચંડી પાઠ અને લક્ષ મોદક હવનનું આયોજન કરાયું હતું. ગણપતિ મંત્રોચ્ચાર સાથે 10,000 મોદકોની આહુતિ આપવામાં આવી હતી. અતિરુદ્ર મહાયજ્ઞ અંતર્ગત લઘુન્યાસ, મહાન્યાસ, રુદ્રજાપ અને હવનની વિધિઓ પણ યોજાઈ હતી.
ભગવાન હાટકેશ્વરના સાનિધ્યમાં નાગરખંડના હાટકેશ્વર માહાત્મ્યના પાઠ અને ધાર્મિક પ્રવચનો યોજાયાં હતાં. જ્યારે સાંજના સત્રમાં ભગવતી દુર્ગાનું ષોડશોપચાર પૂજન અને દીપ પૂજાનું આયોજન કરાયું હતું. જેમાં વડનગર અને આસપાસની સૌભાગ્યવતી મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. મહિલાઓએ પૂજાની થાળી સાથે દીપ પ્રગટાવી માતા લક્ષ્મીની આરાધના કરી હતી.
આ મહાયજ્ઞમાં સ્થાનિક નાગરિકો સહિત બહારગામથી આવેલા શ્રદ્ધાળુઓએ પણ ભાગ લીધો હતો. 20 નવેમ્બર સુધી ચાલનારા આ ધાર્મિક અનુષ્ઠાનને પગલે હાટકેશ્વર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR