

મહેસાણા, 13 નવેમ્બર (હિ.સ.) : નવી પેઢીને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને વતનની માટી સાથે જોડવાના હેતુથી વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે ત્રણ દિવસીય ‘હાલો ભેરુ ગામડે’ વિન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાન્ડુ, બાલીસણા, વાલમ, સંડેર અને મણુદ એમ પાંચ ગામોના લેઉવા પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા આ કેમ્પમાં અમદાવાદ, સુરત અને મુંબઈ સહિતનાં શહેરોમાંથી 600થી વધુ બાળકો જોડાયાં હતાં. મોબાઈલ અને ટેકનોલોજીથી દૂર રહી બાળકોએ ગ્રામીણ જીવનશૈલીનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.
કેમ્પમાં બાળકો માટે ગામડાના જૂના રહેણીકરણીના માહોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બાળકોએ ઘોડેસવારી, ઊંટસવારી અને ટ્રેક્ટરની સફરનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત હળ, ખપો, રાંપ, સુંડલો, ઘંટી, વલોણું અને જૂનાં રસોડાનાં વાસણો સહિત ખેતીનાં પરંપરાગત સાધનોની જાણકારી મેળવી હતી. ગામના કૂવા અને ચોરા જેવી જૂની વ્યવસ્થાઓથી પણ બાળકોને પરિચિત કરાયાં હતાં.
આધુનિક સમયમાં વિસરાતી જતી ગિલોલ, લખોટી, ગોફણ, રસ્સાખેંચ અને મોય-દંડો જેવી દેશી રમતો રમાડવામાં આવી હતી. આ ઉપરાંત આંબાવાડીમાં પતરાળામાં વનભોજન, ગ્રામજનોના ઘરે રાત્રિ રોકાણ અને ગામના મેળાનો અનુભવ પણ બાળકો માટે વિશેષ આકર્ષણ બન્યો હતો.
આયોજન સમિતિના સભ્ય કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે દિવાળી વેકેશનમાં બાળકોને ગ્રામીણ સંસ્કૃતિથી પરિચિત કરવાના હેતુથી કેમ્પ યોજાય છે. આ વર્ષે ભાન્ડુના 300 જેટલા યુવાનોની ટીમે આયોજનમાં સેવા આપી હતી. ત્રણ દિવસના કેમ્પથી બાળકોમાં પોતાની સંસ્કૃતિ અને વતન સાથે જોડાયેલા રહેવાની ભાવના વિકસે તેવો પ્રયાસ કરાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR