
ભાવનગર, 13 નવેમ્બર (હિ.સ.) ભાવનગરનાં જૈન શ્રાવિકા પ્રજ્ઞાબેન ગાંધી છેલ્લા 25 વર્ષથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપી તેમનાં જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી રહ્યાં છે. કોઈપણ આર્થિક લાભ કે પ્રસિદ્ધિની અપેક્ષા વિના શરૂ કરેલી આ સેવાયાત્રા આજે અનેક બાળકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે.
પ્રજ્ઞાબેનના પ્રયાસોથી અત્યાર સુધીમાં 4,000થી વધુ બાળકો શિક્ષણ મેળવી ચૂક્યાં છે. હાલમાં 237 બાળકો સંસ્થામાં અભ્યાસ કરી રહ્યાં છે. બાળકોને પુસ્તકો, નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.
સંસ્થામાં અભ્યાસ કરીને આગળ વધેલા અનેક બાળકો સરકારી નોકરી મેળવી ચૂક્યાં છે, જ્યારે કેટલાક ડોક્ટર અને એન્જિનિયર બનવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. શિક્ષણની સાથે સામાજિક જવાબદારી નિભાવતાં સંસ્થાના સહયોગથી અત્યાર સુધીમાં 48 દીકરીઓનાં લગ્ન પણ કરાવવામાં આવ્યાં છે.
ખાસ વાત એ છે કે પ્રજ્ઞાબેન આ સેવાકાર્ય માટે કોઈ પગાર કે, આર્થિક વળતર લેતાં નથી. તેમના સમાજસેવા અને શિક્ષણક્ષેત્રેના યોગદાન બદલ અત્યાર સુધીમાં આશરે 50 જેટલા પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA