
અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં દિવાળીની રાત્રે બનેલી હત્યાની ચકચારી ઘટનામાં ખાંભા પોલીસે તપાસ તેજ બનાવી છે. હત્યાના બનાવમાં સંડોવાયેલા સાત આરોપીઓને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
દિવાળીના પર્વની રાત્રે બનેલી આ હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
બનાવ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. તપાસના ભાગરૂપે પોલીસે સાતેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
રિકન્સ્ટ્રક્શન દરમિયાન ઘટનાની પરિસ્થિતિ, આરોપીઓની કથિત ભૂમિકા અને બનાવ કેવી રીતે બન્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટનાને લગતા પુરાવા એકત્રિત કરવા તેમજ હત્યા પાછળના કારણો અને ઘટનાની સમગ્ર હકીકત જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ હત્યાની ઘટનામાં પોલીસની કાર્યવાહીથી સમગ્ર પંથકમાં આ બનાવ ફરી ચર્ચાનો વિષય બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai