રાજકોટ તાલુકાની ૯૧ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદનું અનામત માળખું જાહેર: ૪૦ બેઠકો મહિલાઓ માટે અનામત
રાજકોટ, 13 નવેમ્બર (હિ.સ.) : ડિસેમ્બર ૨૦૨૬માં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકોટ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ૯૧ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની કેટેગરીવાર અનામત બેઠકોનું રોસ્ટર રજિસ્ટર જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી ગ્રામ્ય રાજકારણમાં ગરમાવો
ગ્રામ પંચાયત


રાજકોટ, 13 નવેમ્બર (હિ.સ.) : ડિસેમ્બર ૨૦૨૬માં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકોટ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ૯૧ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની કેટેગરીવાર અનામત બેઠકોનું રોસ્ટર રજિસ્ટર જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી ગ્રામ્ય રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

રાજકોટ તાલુકાની કુલ ૯૧ ગ્રામ પંચાયતો માટે સરપંચ પદની અનામત બેઠકોનું માળખું અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ સામાન્ય વર્ગ માટે બેઠકોનું ચોક્કસ વર્ગીકરણ કરાયું છે. તંત્ર દ્વારા જાહેર કરાયેલા રોસ્ટર નમૂના મુજબ આગામી ચૂંટણી પ્રક્રિયાને વેગ મળ્યો છે અને સંભવિત ઉમેદવારો દ્વારા અત્યારથી જ લોકભ્રમણ અને બેઠકોની ગણતરી શરૂ કરી દેવામાં આવી છે.

જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, અનુસૂચિત જાતિ વર્ગ માટે કુલ ૮ બેઠકો અનામત રખાઈ છે, જેમાં ૪ બેઠકો મહિલાઓ માટે અને ૪ બેઠકો સામાન્ય ઉમેદવારો માટે ફાળવાઈ છે. આ ઉપરાંત, અનુસૂચિત આદિજાતિ વર્ગ માટે માત્ર ૧ બેઠક ફાળવવામાં આવી છે, જે સંપૂર્ણપણે મહિલા અનામત હેઠળ રાખવામાં આવી હોવાથી આ વર્ગમાં મહિલા નેતૃત્વને સીધી તક પ્રાપ્ત થશે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસ.ઇ.બી.સી. માટે કુલ ૨૫ બેઠકોનું માળખું નક્કી કરાયું છે, જેમાં ૧૩ બેઠકો મહિલાઓ માટે અનામત છે અને ૧૨ બેઠકો અન્ય ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. ઓબીસી વર્ગની વસ્તી અને અનામત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરાયેલી આ ફાળવણી સ્થાનિક રાજકારણમાં વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ બેઠકો પર વિજય મેળવવા માટે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે.

બિનઅનામત અથવા સામાન્ય વર્ગ માટે સૌથી વધુ ૫૭ બેઠકો નિયત કરવામાં આવી છે, જેમાં ૨૮ બેઠકો સામાન્ય વર્ગની મહિલાઓ માટે અને ૨૯ બેઠકો અન્ય સામાન્ય ઉમેદવારો માટે ફાળવાઈ છે. તમામ કેટેગરી મળીને કુલ ૪૦ બેઠકો મહિલાઓ માટે અનામત રહેતા મહિલા પ્રતિનિધિત્વને મોટું પ્રોત્સાહન મળ્યું છે અને આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ વધુ રસાકસીભર્યો બનશે તે નક્કી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande