રાજકોટમાં તહેવાર ટાણે જ બે પરિવારમાં અરેરાટી: ભગવતીપરામાં પરિણીતા અને મવડીમાં વૃદ્ધે ટૂંકાવ્યું જીવન
રાજકોટ, 13 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં દિવાળી સહિત ભાઈબીજના તહેવારના દિવસોમાં આપઘાતના બે અલગ-અલગ કરૂણ બનાવો સામે આવ્યા છે, જેમાં ભગવતીપરામાં માવતરે જવાની જીદ અને મવડીમાં બીમારીની ચિંતાને કારણે બે વ્યક્તિઓએ આત્મહત્યા કરી લેતા બંને પરિવારમાં ભારે શોક
આપઘાત મોત


રાજકોટ, 13 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં દિવાળી સહિત ભાઈબીજના તહેવારના દિવસોમાં આપઘાતના બે અલગ-અલગ કરૂણ બનાવો સામે આવ્યા છે, જેમાં ભગવતીપરામાં માવતરે જવાની જીદ અને મવડીમાં બીમારીની ચિંતાને કારણે બે વ્યક્તિઓએ આત્મહત્યા કરી લેતા બંને પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ઝમઝમ બેકરીવાળી શેરીમાં રહેતી ૨૫ વર્ષીય હિરલબેન કિરણભાઈ દાતણીયાએ ભાઈબીજના દિવસે પોતાના ઘરે પ્લાસ્ટીકની દોરીથી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તબીબે તપાસીને હિરલબેનને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા જ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. આઈ. શેખ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

મૃતક હિરલબેન અને તેના પતિ કિરણભાઈ પારેવડી ચોકમાં ફૂલનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમને સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. પતિ કિરણભાઈએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે, તહેવારના દિવસોમાં ફૂલના ધંધાની ભારે સીઝન અને ઘરાકી હોવાથી તેમણે પત્નીને તહેવાર બાદ માવતરે જવાનું કહ્યું હતું. આ બાબતનું માઠું લાગી જવાથી હિરલબેને આત્યંતિક પગલું ભરી લીધું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મૂળ ફૂલઝર ગામના વતની અને હાલ કોઠારીયા સોલવન્ટ પાસે કારખાનામાં કામ કરતા આ પરિવારની આ ઘટનાથી ત્રણ માસૂમ બાળકો માતાની મમતાથી વંચિત થઈ ગયા છે.

આપઘાતના બીજા એક કરૂણ બનાવમાં મવડી મામા સાહેબના મંદિર નજીક સંસ્કાર સિટીમાં રહેતા ૬૫ વર્ષીય પરષોત્તમભાઈ ગંગદાસભાઈ મેઘાણીએ ધોકા-પડતર દિવસની રાત્રે પોતાના ઘરમાં છતના હુક સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. રાત્રે તેમના પુત્રવધૂ ઉપરના માળેથી નીચે પાણી પીવા આવ્યા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. પરિવારજનોએ તાત્કાલિક તેમને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ મોડી રાત્રે તેમણે દમ તોડી દીધો હતો. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી પૂરી કરી હતી.

ચાર ભાઈ અને બે બહેનોમાં મોટા તથા સંતાનમાં એક પુત્ર અને પાંચ પુત્રીના પિતા એવા પરષોત્તમભાઈ મેઘાણીના પરિવારમાં મોટા તહેવાર ટાણે જ મોભીનું અવસાન થતાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. સ્વજનોના જણાવ્યા અનુસાર, પરષોત્તમભાઈને એક મહિના અગાઉ અકસ્માત નડ્યો હતો અને તેમની શસ્ત્રક્રિયા થઈ હતી. આગામી તા. ૧૭ના રોજ તેમની વધુ એક સર્જરી માટેની તારીખ નક્કી થઈ હતી, જેના કારણે તેઓ સતત ચિંતામાં રહેતા હતા. આ માનસિક તાણ અને ચિંતાના કારણે જ તેમણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande