
ભાવનગર, 13 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળિયા ગામે શ્રી શિવકુંજ આશ્રમ દ્વારા નૂતનવર્ષ નિમિત્તે શ્રીમદ્ ભાગવત ભાગીરથી જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને યોજાયેલી આ કથાનો પ્રારંભ ભાઈબીજના પવિત્ર દિવસે સંતો, મહાનુભાવો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં થયો હતો.
કથાના પ્રથમ દિવસે ભાવભેર પોથીયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ શ્રી વિશ્વાનંદ માતાજીએ સંકીર્તન, સ્તુતિ અને વંદના સાથે કથાગાનનો પ્રારંભ કરાવ્યો હતો. કથાના પ્રારંભે રાષ્ટ્રવંદના સાથે 'વંદે માતરમ્'નું ગાન કરવામાં આવ્યું હતું. સંતો અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરારિબાપુએ શુભકામના અને પ્રસન્નતા વ્યક્ત કરતો સંદેશ પાઠવ્યો હતો.
કાર્યક્રમમાં રામભારતીબાપુ, હબીબ માડી, મહેશભાઈ ગઢવી, જાળેશ્વર મહાદેવ તથા રામજી મંદિર પરિવારના સભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીતિનભાઈ માણિયાએ આવકાર પ્રવચન આપ્યું હતું.
કથાના બીજા દિવસે વ્યાસપીઠ પરથી શ્રીમદ્ ભાગવતનું કથાગાન, સંકીર્તન અને વિવિધ ધાર્મિક પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. સાથે જ કથાનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું. આત્માનંદ સરસ્વતીજીએ સનાતન ચેતના અંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કરુણા માતાજી અને વશરામબાપુ સહિતના સંતો પણ કથામાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA