
પ્રથમ તબક્કામાં 15 દિવસ સ્વ-ગણતરી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈને 40 મુદ્દાઓ હેઠળ માહિતી એકત્ર કરાશે; 3,499 બ્લોકમાં 3,400થી વધુ કર્મચારીઓ તૈનાત
રાજકોટ, 13 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લામાં આગામી 10 જાન્યુઆરી, 2027થી વસ્તી ગણતરીના બીજા તબક્કાની શરૂઆત થશે. પ્રથમ તબક્કામાં 24 જાન્યુઆરી સુધી નાગરિકો સ્વ-ગણતરી કરી શકશે, જ્યારે 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન કર્મચારીઓ ઘરે-ઘરે જઈને સર્વે કરશે. આ કામગીરી માટે જિલ્લામાં 3,499 ગણતરી બ્લોક બનાવીને કુલ 17 ચાર્જ ઓફિસર, 2,902 ગણતરીદારો અને 486 સુપરવાઈઝરોની નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં જાન્યુઆરી-2027થી વસ્તી ગણતરીના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ અભિયાન અંતર્ગત તારીખ 10થી 24 જાન્યુઆરી દરમિયાન નાગરિકો માટે સ્વ-ગણતરીની સુવિધા ઉપલબ્ધ રહેશે, ત્યારબાદ 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને વસ્તી ગણતરીની કામગીરી કરશે. આ રાષ્ટ્રીય મહત્વના કાર્યમાં નાગરિકોને સક્રિય સહયોગ આપવા વહીવટી તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં વસ્તી ગણતરી-2027ના બીજા તબક્કા એટલે કે પોપ્યુલેશન એન્યુમરેશન (PE)ની કામગીરીનું સુચારુ, સુવ્યવસ્થિત અને સફળ આયોજન થાય તે હેતુથી ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસના અધ્યક્ષસ્થાને પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમગ્ર કામગીરીની રૂપરેખા અને આયોજન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં આ બીજા તબક્કાની કામગીરીને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક માળખું ગોઠવવામાં આવ્યું છે. જે અંતર્ગત 17 ચાર્જ ઓફિસરો (જેમાં 11 તાલુકા મામલતદાર અને 6 ચીફ-ઓફિસરનો સમાવેશ થાય છે) ઉપરાંત અંદાજિત 2,902 ગણતરીદારો અને 486 સુપરવાઈઝરોને ફરજ સોંપવામાં આવી છે. સમગ્ર જિલ્લાની વસ્તીને આવરી લેવા અને કામગીરીને સરળતાથી પહોંચી વળવા માટે કુલ 3,499 ગણતરી બ્લોક (Enumeration Blocks) તૈયાર કરવામાં આવ્યા છે.
વસ્તી ગણતરીના આ તબક્કા દરમિયાન કર્મચારીઓ દ્વારા નાગરિકો પાસેથી કુલ 40 જેટલા વિવિધ મુદ્દાઓ હેઠળ ઝીણવટભરી માહિતી એકત્રિત કરવામાં આવશે. જેમાં વ્યક્તિની જન્મ તારીખ, ઉંમર, વૈવાહિક સ્થિતિ, લગ્ન સમયે ઉંમર, જીવનસાથીનું નામ, રાષ્ટ્રીયતા, ધર્મ અને જાતિ (SC/ST/અન્ય) જેવી વ્યક્તિગત વિગતો સામેલ છે. આ ઉપરાંત માતા-પિતાની માહિતી, દિવ્યાંગતા, માતૃભાષા અને અન્ય ભાષાઓની જાણકારી, સાક્ષરતા, શૈક્ષણિક લાયકાત, ડિજિટલ સાક્ષરતા, રોજગાર અને વ્યવસાય સંબંધિત વિગતો પણ નોંધવામાં આવશે, તેમજ જન્મસ્થળ, અગાઉનું અને કાયમી રહેઠાણ, સ્થળાંતરનું કારણ, બાળકોની સંખ્યા, કોવિડ-19 રસીકરણ, બેંક ખાતા અને ઓળખ દસ્તાવેજોની વિગતો પણ એકત્ર કરાશે.
વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા અધિકૃત સમયપત્રક મુજબ, 10 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી, 2027 દરમિયાન સ્વ-ગણતરીનો તબક્કો ચાલશે અને ત્યારબાદ 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 સુધી ઘરે-ઘરે જઈને ગણતરી હાથ ધરાશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 01 માર્ચથી 05 માર્ચ, 2027 દરમિયાન પુનઃચકાસણીનો તબક્કો (Revisional Round) યોજાશે, જ્યારે વસ્તી ગણતરી માટે સંદર્ભ તારીખ અને સમય 01 માર્ચ, 2027ના રોજ રાત્રે 00:00 કલાકનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને સાચી અને સચોટ માહિતી આપી આ રાષ્ટ્રીય કાર્યમાં સહકાર આપવા અપીલ કરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt