
સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોરીની શંકાને લઈને એક યુવકની હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. 11 નવેમ્બરના રોજ અનિલ ભીખુભાઈ રાઠોડ અને તેમના મિત્ર નિલેશ ઉર્ફે ગોપાલ રાઠોડ સણીયા કણદે ગામના એક પાર્ટી પ્લોટમાં ઘાસ કાપવા ગયા હતા. આ દરમિયાન છ શખ્સોએ બંનેને ચોરીના ઇરાદે આવ્યા હોવાની શંકા રાખી તેમને ગાડીમાં બેસાડી કરાડવા ગામના અન્ય એક પાર્ટી પ્લોટમાં લઈ ગયા હતા. ત્યાં બંનેને થાંભલા સાથે બાંધી લાકડીઓ અને ઇલેક્ટ્રિક વાયર વડે માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ થતાં અનિલ રાઠોડનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસે હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઝડપી કાર્યવાહી કરી ઘટનામાં સંડોવાયેલા છ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિજય ઉર્ફે સોનુ દેવરાજ મૌર્યા, રાહુલ દેવરાજ મૌર્યા, અભિષેક ઉર્ફે અભી શિવકુમાર મૌર્યા, સુમિત શિવમૂરત સિંહ, સુજીત ઉમાશંકર યાદવ અને મહેન્દ્ર ઉર્ફે સોલુ વીરેન્દ્ર મૌર્યાનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી યુવકોને બાંધવા માટે ઉપયોગમાં લેવાયેલું દોરડું પણ કબજે કર્યું છે.
સુરતના એસીપી એ.સી. તરડેએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ચોરીની શંકા રાખીને બંને યુવકોનું અપહરણ કરી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ છ આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યો નથી. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે