જામનગરની હોટલ સુમુખમાંથી 1.92 લાખના હેરોઈન સાથે પંજાબના બે ભાઈઓ ઝડપાયા
એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે રૂમ નંબર ૧૦૮માં દરોડો પાડી ૯.૬૧ ગ્રામ નશીલા પદાર્થ સહિત કુલ ૨.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો. જામનગર, 13 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે ચાલી રહેલા ''નો ડ્રગ્સ ઇન જામનગર'' અભિયાન હે
જામનગરમાંથી હેરોઇન ઝડપાયું


- એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે રૂમ નંબર ૧૦૮માં દરોડો પાડી ૯.૬૧ ગ્રામ નશીલા પદાર્થ સહિત કુલ ૨.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

જામનગર, 13 નવેમ્બર (હિ.સ.) :

જામનગરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે ચાલી રહેલા 'નો ડ્રગ્સ ઇન જામનગર' અભિયાન હેઠળ એસ.ઓ.જી. પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સુમેર ક્લબ રોડ પર આવેલી હોટલ સુમુખમાં દરોડો પાડી પોલીસે પંજાબના બે ભાઈઓને ૧,૯૨,૨૦૦ની કિંમતના ૯.૬૧ ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે મોબાઈલ અને રોકડ સહિત કુલ ૨,૧૫,૯૨૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા રાવની સૂચના મુજબ એસ.ઓ.જી.ની ટીમ નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા સતત કાર્યરત છે. આ અભિયાન અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેરની ટીમના કોન્સ્ટેબલ બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને મયુરરાજસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી.

બાતમીમાં જાણવા મળ્યું હતું કે, સુમેર ક્લબ રોડ પર એસ.ટી. ડેપો નજીક આવેલી હોટલ સુમુખના રૂમ નંબર ૧૦૮માં પંજાબના બે શખ્સો હેરોઈનના જથ્થા સાથે રોકાયેલા છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક હોટલના રૂમ પર દરોડો પાડ્યો હતો. જ્યાં પંજાબના અમૃતસર જિલ્લાના રતનગ્રહ (ભીંડર) ગામના વતની લવપ્રીતસિંઘ ગુલઝારસિંઘ અને હરપ્રીતસિંઘ ગુલઝારસિંઘ નામના બે ભાઈઓ મળી આવ્યા હતા.

પોલીસ ટીમે બંને શખ્સોની અંગઝડતી અને હોટલના રૂમની તલાશી લેતા ૧,૯૨,૨૦૦ની કિંમતનું ૯.૬૧ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. પોલીસે હેરોઈનના જથ્થા ઉપરાંત બંને પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ૨,૧૫,૯૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાલ સીટી-એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પંજાબથી આ હેરોઈનનો જથ્થો જામનગરમાં કોને આપવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande