વાંકલ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સંમેલન યોજાયું
સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે યુવા સંમેલન યોજાયું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર
ધારાસભ્ય ગણપતસિંહ વસાવા


સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે યુવા સંમેલન યોજાયું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે માત્ર 25 વર્ષની નાની વયે દેશ અને સમાજના હકો માટે શહીદી વહોરનાર ભગવાન બિરસા મુંડાનું જીવન આદિવાસી યુવાનો માટે પ્રેરણારૂપ છે. યુવાનોએ યોગ્ય માનસિકતા કેળવી પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને વારસાને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય સન્માન અપાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.

જિલ્લા કલેક્ટર તેજસ પરમારે પોતાની જીવનસફર વર્ણવી યુવાનોને પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે સામાન્ય પરિવારમાંથી આવીને મહેનત અને દૃઢ મનોબળના આધારે 26 વર્ષની વયે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી એકાગ્રતાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ યુવાનોને વહીવટી તંત્ર તરફથી જરૂરી માર્ગદર્શન અને સહકારની ખાતરી આપી હતી.

ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ સંગ્રામસિંહ રાઠવાએ બિરસા મુંડાના જળ, જંગલ અને જમીનના અધિકારો માટેના સંઘર્ષને યાદ કર્યો હતો. તેમણે યુવાનોને અંધશ્રદ્ધાથી દૂર રહી શિક્ષણ મેળવવા, પરિશ્રમ કરવા અને પોતાની સંસ્કૃતિનું જતન કરવા અપીલ કરી હતી.

સંમેલનમાં રમતગમત, શિક્ષણ અને સરકારી નોકરીમાં સફળતા મેળવનાર યુવાનોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની આદિજાતિ વિકાસ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande