
ભાવનગર,14 નવેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કુંભણ ગામે વાડી વિસ્તારમાં આવેલા આશરે 80 ફૂટ ઊંડા કૂવામાં દીપડો પડી જવાની ઘટના સામે આવી છે. દીપડો કૂવામાં ખાબકતાં આસપાસના વિસ્તારમાં આ ઘટનાને પગલે લોકોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી હતી.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. કૂવાની ઊંડાઈ વધુ હોવાથી દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવો વન વિભાગની ટીમ માટે પડકારરૂપ બન્યો હતો. જોકે, ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા સાથે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત અને સાવચેતીપૂર્વક કામગીરી કરી દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ થતાં વન વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી હતી.
કુંભણ ગામના વાડી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે વન વિભાગની ટીમની સમયસરની કામગીરીની સરાહના થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA