
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામની સીમમાં એક ખેતરમાં પ્રેમી યુગલે લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ બનાવ 15 નવેમ્બર 2026ના રોજ સવારના સમયે પ્રકાશમાં આવ્યો હતો. જંગરાલ ગામે નિર્મિત પેટ્રોલ પંપની પાછળ રાજુ મલા દેસાઈનું ખેતર આવેલું છે. ખેતર માલિક સવારે ખેતરે પહોંચ્યા ત્યારે લીમડાના ઝાડ સાથે યુવક અને યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. આ દૃશ્ય જોઈ તેમણે તાત્કાલિક 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષક વાનના ઇન્ચાર્જ નટવર શંકર તેમજ વાગડોદ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થળ પર જરૂરી પંચનામું કરી બંને મૃતદેહને નીચે ઉતાર્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે જંગરાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક સરસ્વતી તાલુકાના ખોડાણા ગામનો અને યુવતી હામાણીપુરા ગામની વતની હોવાનું સામે આવ્યું હતું.
આ બનાવ અંગે વાગડોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.વી. દેસાઈએ જણાવ્યું હતું કે, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ પ્રકરણના કારણે બંનેએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જંગરાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંનેના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. હાલ વાગડોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ