
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : લાભ પાંચમના પવિત્ર પર્વ નિમિત્તે પાટણ નજીક આવેલા મહેમદપુર ગામના પારેવિયા વીર દાદાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મંદિરે ભવ્ય લોકમેળાનું આયોજન થયું હતું. પાંચમ ભરવા માટે આસપાસનાં ગામો ઉપરાંત દૂર-દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પગપાળા સંઘો દાદાનાં દર્શનાર્થે પહોંચ્યા હતા. વિવિધ ગામો અને સમાજના લોકોએ ભક્તિભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંદિરના ટ્રસ્ટી ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે પારેવિયા વીર દાદાનું આ મંદિર આશરે 400 વર્ષ જૂનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. દર વર્ષે લાભ પાંચમના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને પરંપરા મુજબ પાંચમ ભરે છે. ભક્તોમાં એવી અતૂટ શ્રદ્ધા છે કે દાદાનાં દર્શન કરી પાંચમ ભરવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ માન્યતાને કારણે દર વર્ષે અહીં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળે છે.
આ પ્રસંગે ભક્તો અને સેવકોએ દાદાને શ્રદ્ધાપૂર્વક પ્રસાદ અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. સાથે જ અનેક ભક્તોએ પોતાની બાધા, માનતા અને આખડી પૂર્ણ કરી હતી. મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિથી મહેમદપુર ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ