
સુરત, 14 નવેમ્બર (હિ.સ.) : પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલના અમરકક્ષમાં મૃત્યુ બાદ પોતાના અંગોનું દાન કરીને અનેક જરૂરિયાતમંદ લોકોના અંધકારમય જીવનમાં નવજીવનનો પ્રકાશ પાથરનાર દેવદૂત સમાન અંગદાતાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં થયેલા 103 અંગદાતાઓના પુણ્ય સ્મરણમાં 103 દીવડાઓ પ્રગટાવીને તેમના મહામૂલા યોગદાનને વંદન કરવામાં આવ્યા હતા.
'અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ'ના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ (દાદા)ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સુરત સિવિલ હોસ્પિટલ પ્રશાસકીય આરોગ્ય સંસ્થા તરીકેની જવાબદારી સાથે અંગદાનના આ પવિત્ર કાર્યને અત્યંત માનવીય સંવેદના સાથે આગળ ધપાવી રહી છે.
આ અવસરે તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 103 બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના થકી મળેલા કુલ 339 અંગોના દાનથી દેશ-વિદેશના અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે. દિવાળીના પાવન અવસરે આ તમામ 103 અંગદાતાઓ અને તેમના ઉદાર પરિવારજનોની સેવાભાવનાને દીપ પ્રાગટ્ય થકી યાદ કરવામાં આવ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, પરંતુ તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સિલર્સ અને સમગ્ર સ્વયંસેવક ટીમની રાત-દિવસની સખત મહેનત અને સમર્પિત ભાવનાનું પરિણામ છે. ગત વર્ષે જે 'અમર કક્ષ'નું સપનું જોયું હતું તે આજે સાકાર થયું છે, ત્યારે આ અમર કક્ષને વ્યાપક બનાવીને સમાજમાં અંગદાન પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાની આપણી સૌની જવાબદારી છે. દિવાળીના આ પર્વે આપણે એવો સંકલ્પ કરીએ કે માનવીય અભિગમ સાથે આ સેવાકીય યજ્ઞને વધુ વેગવાન બનાવીએ.
આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા એ જણાવ્યું હતું કે, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપદાદાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તથા સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. પારુલબેનના ઉત્કૃષ્ટ નેતૃત્વમાં સુરત સિવિલ હોસ્પિટલે અંગદાન ક્ષેત્રે ઐતિહાસિક સફળતા મેળવી છે અને સુરત આજે સાચા અર્થમાં 'ઓર્ગન સિટી' તરીકે જાણીતું બન્યું છે.
ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રગટાવીને દિવંગત અંગદાતાઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને સમાજમાં અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે તેવો સંકલ્પ કર્યો હતો.
આ ભાવસભર શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. પારૂલ વડગામા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપાઘ્યક્ષ ઈકબાલ કડીવાલા, મેડિકલ ઓફિસર ડો. આર. ડી. બર્મન, શહેરના જાણીતા તબીબ ડો. મેહુલ ભાવસાર, શિક્ષણ સમિતિના નવનિયુકત સભ્ય ધર્મિષ્ઠાબેન પટેલ, યુવા મોરચા પ્રદેશના ઉપાધ્યક્ષ નંદીનીબેન ગઢવી, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો મકરંદ જોષી, સની રાજપુત, નર્સિંગ એસોસિએશનના પ્રતિનિધિઓ, તબીબી-નર્સિંગ સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે