રાજકોટના બેડી યાર્ડમાં લાભપાંચમે હરાજીનો પુનઃ પ્રારંભ, પ્રથમ દિવસે જ 1100 વાહનોની આવક
મુહૂર્તની હરાજીમાં મગફળીનો ભાવ રૂ.1610 અને મગનો રૂ.1910 પ્રતિ મણ બોલાયો; ઉત્પાદનમાં ઘટાડા વચ્ચે આગામી દિવસોમાં ખેત પેદાશોના ભાવમાં તેજી રહેવાનો અંદાજ. રાજકોટ, 14 નવેમ્બર (હિ.સ.) : સાત દિવસના દિવાળી વેકેશન બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ ય
રાજકોટનું બેડી યાર્ડ


- મુહૂર્તની હરાજીમાં મગફળીનો ભાવ રૂ.1610 અને મગનો રૂ.1910 પ્રતિ મણ બોલાયો; ઉત્પાદનમાં ઘટાડા વચ્ચે આગામી દિવસોમાં ખેત પેદાશોના ભાવમાં તેજી રહેવાનો અંદાજ.

રાજકોટ, 14 નવેમ્બર (હિ.સ.) : સાત દિવસના દિવાળી વેકેશન બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લાભપાંચમથી ખેત પેદાશોની હરાજી ફરી શરૂ થઈ છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે 1100 વાહનોમાં ખેડૂતો જણસી લઈને આવતા યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો લાગી હતી. મુહૂર્તની હરાજીમાં મગફળીના પ્રતિ મણ રૂ.1610 અને મગના રૂ.1910 ભાવ બોલાયા હતા.

દિવાળીના સાત દિવસના વેકેશન બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટિંગ યાર્ડ આજથી ફરી ધમધમતા થયા છે. લાભપાંચમના દિવસે ખેત પેદાશોની હરાજીનો પુનઃ પ્રારંભ થતાં જ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે વહેલી સવારથી જ 1100 જેટલા વાહનો સાથે ખેડૂતો પોતાની જણસી લઈને આવી પહોંચ્યા હતા, જેના કારણે યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

હરાજીની કામગીરી અંગે માહિતી આપતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, લાભપાંચમના દિવસે મગફળી અને મગ એમ બે મુખ્ય જણસીઓથી હરાજીની શરૂઆત કરવામાં આવી છે. મુહૂર્તના સોદામાં 20 કિલો મગફળીનો ભાવ રૂ.1610 અને મગનો ભાવ રૂ.1910 બોલાયો છે.

આ ઉપરાંત યાર્ડમાં જીરુંના પ્રતિ મણ રૂ.5300થી રૂ.5600 સુધીના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. યાર્ડના સત્તાધીશોના જણાવ્યા મુજબ, પ્રથમ દિવસે મગફળી અને મગની હરાજી બાદ હવે આગામી દિવસોમાં અન્ય તમામ ખેત પેદાશોની હરાજી પણ ક્રમશઃ શરૂ કરી દેવામાં આવશે.

બજારના નિષ્ણાતો અને વેપારીઓના મતે, ચાલુ વર્ષે ખેત પેદાશોના કુલ ઉત્પાદનમાં અંદાજે 30થી 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ઓછા ઉત્પાદનની સામે બજાર ભાવમાં 25થી 30 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં તલ, મગ અને સોયાબીન સહિતના પાકોમાં દિવાળી પહેલાં કરતાં પણ ઊંચા ભાવ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande