
- પ્રથમ દિવસે જ મગફળીની 15 હજાર ગુણી અને કપાસની 2500 ગાંસડીની આવક નોંધાઈ.
જામનગર, 14 નવેમ્બર (હિ.સ.) :
દિવાળીના તહેવારોની રજાઓ પૂર્ણ થતાં લાભ પાંચમના દિવસથી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હરાજી અને ખરીદ-વેચાણની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. વેકેશન બાદ યાર્ડ ખુલતાની સાથે જ ખેડૂતોની અવરજવર અને જણસોની આવક શરૂ થઈ છે, જેમાં પ્રથમ દિવસે જ મગફળીની 15 હજાર ગુણી અને કપાસની 2500 ગાંસડીની આવક નોંધાઈ છે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારો નિમિત્તે જાહેર કરવામાં આવેલી રજાઓ પૂર્ણ થઈ છે. રજાઓ બાદ લાભ પાંચમના દિવસથી યાર્ડમાં હરાજી અને ખરીદ-વેચાણની કામગીરી શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓની ચહલપહલ જોવા મળી હતી.
યાર્ડ ખુલતાની સાથે જ વહેલી સવારથી વિવિધ જણસોની આવક શરૂ થઈ હતી. પ્રથમ દિવસે મગફળીની 15 હજાર ગુણીની આવક નોંધાઈ હતી, જ્યારે કપાસની પણ 2500 ગાંસડીની આવક થવા પામી હતી.
દિવાળી વેકેશન શરૂ થવા પૂર્વે હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મોટી આવક થઈ હતી. તે સમયે એક જ દિવસમાં 250 વાહનો મારફતે 17 હજાર ગુણી મગફળી યાર્ડમાં આવી હતી, જેના પગલે સત્તાવાળાઓએ નવી આવક બંધ કરી 7થી 13 નવેમ્બર સુધી વેકેશન જાહેર કર્યું હતું.
હાલ તહેવારોની રજાઓ પૂર્ણ થતાં લાભ પાંચમથી યાર્ડની કામગીરી નવેસરથી શરૂ થઈ છે. મગફળીની નવી આવક સાથે કપાસની આવક થતાં ખરીદ-વેચાણની પ્રવૃત્તિ વેગવંતી બની છે અને બંને જણસોની હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt