
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાની તાલુકા પંચાયતની બેઠક નંબર 11 હેઠળના ખોડાણા ગામમાં રામદેવપીર મંદિર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ગામના આગેવાનો, પક્ષના પદાધિકારીઓ, કાર્યકરો અને ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરો વચ્ચે સંકલન વધારવા તેમજ જનસેવા અને વિકાસનાં કાર્યોને વેગ આપવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ સંગઠનની એકતા જાળવીને જનહિતનાં કાર્યોમાં સતત સક્રિય રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષો, જિલ્લા અને તાલુકા ડેલિગેટો, ગામના સરપંચો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, સામાજિક આગેવાનો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ક્ષત્રિય સમાજના આગેવાનો, ભાજપના કાર્યકરો, મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ઉત્સાહપૂર્ણ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરો અને ગ્રામજનોમાં સ્નેહ, એકતા અને સંગઠન પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ