
ભાવનગર, 14 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાઓની તપાસમાં મદદરૂપ થવા CCTV કેમેરા લગાવવા અને તેના ફૂટેજ જાળવવા અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર 11 સંચાલકો સામે ભાવનગર શહેર અને જિલ્લામાં ગુના દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં હોટલ, રેસ્ટોરન્ટ, ક્લબ અને કેન્ટીનમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા જાળવવા, ભેળસેળ અટકાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખવાના હેતુથી કિચન વિસ્તારમાં CCTV કેમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે 14 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેરનામું બહાર પાડી 30 દિવસમાં કેમેરા લગાવવાની સૂચના આપી હતી.
જાહેરનામાના અમલ માટે પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતાં કુલ 11 સ્થળોએ નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું.
આ કાર્યવાહી અંતર્ગત ભાવનગર શહેરના નિલમબાગ, ઘોઘારોડ, ગંગાજળિયા, બોરતળાવ અને ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડ, લોજ, પાર્લર અને ગોડાઉન સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત તળાજા અને પાલીતાણા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હોટલો સામે પણ જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી સમયમાં પણ જાહેરનામાનું પાલન નહીં કરનાર સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA