
- પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી રૂ.1.40 લાખ રોકડ અને સ્વિફ્ટ કાર સહિત કુલ રૂ.3.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
જામનગર, 14 નવેમ્બર (હિ.સ.) :
દ્વારકામાં દિવાળી વેકેશન દરમિયાન ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને નિશાન બનાવી ખિસ્સામાંથી રોકડ અને પાકીટ ચોરતી છ શખ્સોની ટોળકીને દ્વારકા પોલીસે ઝડપી પાડી છે. રાજકોટથી કારમાં ચોરીના ઇરાદે આવેલી આ ટોળકી પાસેથી પોલીસે રૂ.1.40 લાખ રોકડ, પાંચ મોબાઈલ અને સ્વિફ્ટ કાર મળી કુલ રૂ.3.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધ્યો છે.
દિવાળી વેકેશનમાં દેશ-વિદેશથી આવતા યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડની સૂચનાથી દ્વારકા પીઆઈ એમ.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશેષ પેટ્રોલિંગ ગોઠવાયું હતું. પીએસઆઈ આર.એલ. ચોપડા અને સર્વેલન્સ ટીમ 11 નવેમ્બરથી મંદિર પરિસર તથા કીર્તિ સ્તંભ વિસ્તારમાં વોચ રાખી રહી હતી. આ દરમિયાન એએસઆઈ બળવંતસિંહ ચૌહાણ, રાણાભાઈ વાઘેલા અને હરપાલસિંહ ઝાલાને ચોરીના ગુનામાં અગાઉ સંડોવાયેલી રાજકોટની ટોળકી કીર્તિ સ્તંભ પાસે સક્રિય હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે પ્રથમ બે શંકાસ્પદ શખ્સોને ઝડપી પૂછપરછ કરતાં અન્ય ચાર સાગરીતોના નામ ખુલ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે આ તમામ આરોપીઓ રાજકોટથી સ્વિફ્ટ કારમાં દ્વારકા આવ્યા હતા. તેઓ મેળા અને તહેવારોની ભીડમાં કોઈ એક વ્યક્તિની આગળ-પાછળ ગોઠવાઈ જતા અને ધક્કામુક્કી કરી નજર ચૂકવી ખિસ્સામાંથી પાકીટ તેમજ રોકડ સેરવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં રાજકોટના રાજેશ ગોવિંદ મકવાણા, મેહુલ બાબુલાલ ટંકારીયા, રવી રમેશ કનોજીયા ધોબી, નુરમામદ હુસેન માલાણી, જીતેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ સરવૈયા તેમજ જૂનાગઢના બાબુ મગન પરમારનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.40 લાખ રોકડ, રૂ.41 હજારના પાંચ મોબાઈલ અને રૂ.2 લાખની કાર સહિત કુલ રૂ.3.81 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt