
અમદાવાદ, 14 નવેમ્બર (હિ.સ) : લોકઆસ્થાનો મહાપર્વ છઠ મહાપર્વ 2026 આ વખતે જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ જણાવવામાં આવી રહ્યો છે. સૂર્ય દેવને સમર્પિત ચાર દિવસીય છઠ પૂજા 13 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ઉજવવામાં આવશે. આ દરમિયાન એક દુર્લભ ગ્રહોનો સંયોગ બનવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. લગભગ 400 વર્ષ પછી આ પ્રકારનો દુર્લભ સંયોગ બનવાની વાત કહેવામાં આવી રહી છે.
ખાસ વાત એ છે કે, આ સંયોગ છઠ મહાપર્વના બંને મુખ્ય અનુષ્ઠાનો સંધ્યા અર્ઘ્ય અને ઉષા અર્ઘ્યની આસપાસ બની રહ્યો છે.
લોકઆસ્થાનો મહાપર્વ છઠ સંપૂર્ણ શ્રદ્ધા સાથે ઉત્તરપ્રદેશ અને બિહારની સાથે ગુજરાતના કેટલાક શહેરોમાં પણ મનાવવામાં આવી રહ્યો છે. 13 નવેમ્બરે શુક્રવારે નહાય-ખાય સાથે ચાર દિવસીય મહાપર્વનો પ્રારંભ થયો હતો. જ્યારે આજે 14 નવેમ્બર શનિવારે વ્રતી ( વ્રત પાળનાર ) 'ખરના' કરી રહ્યા છે.
છઠ પૂજાની ભવ્ય રંગત અમદાવાદ અને સુરતમાં પણ જોવા મળી રહી છે. સુરતમાં તો 22 સ્થળે પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશાના વતનીઓની સાથે સ્થાનિક ગુજરાતીઓ મળીને 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ વિવિધ ઘાટ પર દર્શન અને પૂજા માટે ઉમટશે.
અમદાવાદમાં ઈન્દિરા બ્રિજ પાસે સાબરમતી નદી કિનારે વિશાળ ઘાટ તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે છઠ પૂજા માટે અલગથી સ્પેશિયલ બીજો નવો ઘાટ બનાવવામાં આવ્યો છે.
છઠ પૂજાનો પહેલો દિવસ નહાય-ખાય કહેવાય છે. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ સવારે વહેલા ઊઠીને સ્નાન કરે. પરંપરા અનુસાર, વ્રતી માટે દૂધીનું શાક, ચણાની દાળ અને ચોખા જેવી સાત્વિક વાનગી બનાવવામાં આવે છે. ભોજનમાં લસણ-ડુંગળીનો ઉપયોગ કરવામાં આવતો નથી. સૌથી પહેલાં ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. ત્યારબાદ વ્રત કરનાર વ્યક્તિ પ્રસાદ રૂપે ભોજન ગ્રહણ કરે છે. આ નહાય-ખાયને શરીર અને મનની શુદ્ધિ તથા કઠિન વ્રતની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે.
છઠ પૂજાનો બીજો દિવસ ખરના કહેવાય છે. આ દિવસે વ્રત કરનાર આખો દિવસ ઉપવાસ રાખે છે. સાંજે સૂર્યાસ્ત બાદ પૂજાની તૈયારી કરવામાં આવે અને પરંપરા અનુસાર, માટીના ચૂલા પર કેરીના લાકડાથી આગ પ્રગટાવીને ગાયના દૂધ અને ગોળથી ખીર બનાવવામાં આવે છે. ખીર સાથે અન્ય પરંપરાગત વાનગીઓ તૈયાર કરવામાં આવે અને પૂજા બાદ છઠી મૈયાને ભોગ ધરાવવામાં આવે છે અને વ્રતી પ્રસાદ ગ્રહણ કરે છે. ખરનાનો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ લગભગ 36 કલાકનું નિર્જળ વ્રત શરૂ થાય છે. આ દરમિયાન વ્રતી ન તો ભોજન કરે છે અને ન તો પાણી પીવે છે. આ વ્રત 16 નવેમ્બરની સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપ્યા બાદ પૂર્ણ થાય છે.
છઠ પૂજાનો ત્રીજો દિવસ સૌથી મહત્વપૂર્ણ છે. આ દિવસે સાંજનું અર્ઘ્ય આપવામાં આવે છે. સવારથી જ ઘરોમાં પૂજાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. વાંસની ટોપલી અને સૂપમાં પૂજાની સામગ્રી સજાવવામાં આવે છે. તેમાં ઠેકુઆ, ફળો, નાળિયેર, શેરડી, મૂળા, આદુ અને અન્ય મોસમી સામગ્રી રાખવામાં આવે. છઠ પૂજાનો મુખ્ય પ્રસાદ ઠેકુઆ હોય છે. તેને ઘઉંના લોટ, ગોળ અને ઘીથી તૈયાર કરવામાં આવે છે. જેને ભગવાન સૂર્ય તથા છઠી મૈયાને અર્પણ કરવામાં આવે છે. સાંજે વ્રતી પરિવારના સભ્યો સાથે નદી, તળાવ અથવા અન્ય જળાશયના કિનારે પહોંચે છે. પાણીમાં ઊભા રહીને અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. અર્ઘ્ય આપ્યા બાદ પણ વ્રતી આખી રાત નિર્જળ ઉપવાસ રાખે છે.
છઠ મહાપર્વનો ચોથો અને અંતિમ દિવસ ઉષા અર્ઘ્ય કહેવાય છે. આ દિવસે સવારે સૂર્યોદય પહેલાં જ વ્રતી પૂજાની સામગ્રી લઈને નદી-તળાવના ઘાટ પર પહોંચી જાય છે. સૂર્યોદય થતાં જ પાણીમાં ઊભા રહીને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. સૂર્ય દેવને જળ અને દૂધ અર્પણ કરીને છઠી મૈયા પાસે પરિવારની ખુશહાલી, સંતાનના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરવામાં આવે છે. ઉગતા સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી વ્રતી છઠી મૈયાની પૂજા કરે છે અને પ્રસાદ ગ્રહણ કરીને વ્રતનું પારણું કરે છે. આ સાથે લગભગ 36 કલાકથી ચાલી રહેલું નિર્જળ ઉપવાસ પૂર્ણ થઈ અમદાવાદમાં બિહાર અને ઉત્તર પ્રદેશના અનેક લોકો રોજગારી માટે રહે છે. જે તમામ લોકો ઈન્દિરા બ્રિજ ઉપરાંત અમરાઈવાડી, સરસપુર, મેઘાણીનગર અને હાટકેશ્વર જેવા વિસ્તારોમાં પણ કૃત્રિમ ઘાટ બનાવી પૂજા-અર્ચના કરશે. જો કે દૂરથી આવતા શ્રદ્ધાળુ આખી રાત ઈન્દિરા બ્રિજ પાસેના ઘાટ પર જ રોકાણ કરે છે, જેમના માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે, જ્યારે નજીકમાં રહેતા પરિવારો સવારે ફરી પૂજા માટે ઘાટ પર પહોંચે છે. ત્યારે પૂજાને લઈ અલગથી ઘાટ, ઘાટની વિશેષ સફાઈ, રોશની, સજાવટ અને કોર્પોરેશન તેમજ વહીવટી તંત્ર માટે સ્ટેજ વગેરે બનાવી દેવામાં આવ્યું છે.
આ અંગે છઠ પૂજા સમિતિના અધ્યક્ષ મહાદેવ ઝાએ જણાવ્યું હતું કે, દરેક વર્ષ થાય છે એ પ્રમાણે આ વર્ષે પણ છઠ પૂજાની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. અને આ વખતે સૌથી સારી વાત એ છે કે જે લોકોને તકલીફ પડતી હતી ઘાટની એ આ વખતે તકલીફ પડવાની નથી કેમકે ડબલ ઘાટ થઈ ગયું છે, બીજા નવા ઘાટ બની ગયા છે એટલે અને એટલે પૂજા કરવામાં પણ કોઈ તકલીફ નથી અને સરકાર તરફથી કે કોર્પોરેશન તરફથી પણ જે અમને સહકાર મળવું જોઈએ એ સંપૂર્ણ સહકાર મળી ગયું છે. તમામ તૈયારીઓ થઈ રહી છે એટલે કોઈ વ્યવસ્થામાં કોઈ તકલીફ નથી. આ જે લોકો રાત્રે રોકાણ કરશે એના માટે અમે 5,000 લોકો માટે ખીચડીની વ્યવસ્થા કરી છે. ખીચડી, કઢી, સબ્જી જેવા જે ખાવાનું એ વ્યવસ્થા કરી છે. અને રાત્રે સુવા માટે જે એ તમામ વ્યવસ્થા અમે કરી છે.
વડોદરા શહેરમાં હિંદી વિકાસ મંચ દ્વારા ફાજલપુરમાં મહીસાગર નદીના કિનારે છઠી મૈયાની પૂજા માટે આયોજન કરવામાં આવ્યું.
છેલ્લા 28 વર્ષથી અવિરતપણે કરવામાં આવતી આ પરંપરાગત ઉજવણી અંતર્ગત નદીના કાંઠે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જ્યાં એકસાથે 500 ઉપરાંત શ્રદ્ધાળુઓ પૂજા-અર્ચના કરી શકે તે માટે વિશેષ હવન કુંડ પણ બનાવવામાં આવ્યા છે. આ ભવ્ય આયોજનને લઈને વહીવટી અને આયોજકો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પર્વના આ અવસરને વધુ દીપાવવા માટે મુંબઈના જાણીતા કલાકારો મહી નદીના કાંઠે ઉપસ્થિત રહીને ભક્તિસંગીતની રમઝટ જમાવશે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહસભર બની રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ