


પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : લાભ પાંચમના પવિત્ર દિવસે પાટણના જૈન સમાજ દ્વારા જ્ઞાન પાંચમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. પંચાસર દેરાસર પાસે આવેલા હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારમાં સવારથી જ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે પૌરાણિક ગ્રંથો, ધાર્મિક પુસ્તકો અને સોનાના વરખની શાહીથી લખાયેલી દુર્લભ હસ્તપ્રતોની વિધિવત્ પૂજા કરવામાં આવી હતી. બાળકોને પણ આ પૂજામાં જોડવામાં આવ્યાં હતાં, જેથી નવી પેઢી પ્રાચીન જ્ઞાન અને પરંપરાથી પરિચિત થાય.
હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની સ્થાપના 7 એપ્રિલ, 1939ના રોજ કરવામાં આવી હતી. તત્કાલીન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. મુનિ પુણ્યવિજયજી મહારાજના પ્રયાસોથી પાટણના 19 ગ્રંથ ભંડારોના અમૂલ્ય ગ્રંથો અહીં એકત્ર કરવામાં આવ્યા હતા. હાલમાં અહીં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને આયુર્વેદને લગતા આશરે 26 હજાર હસ્તલિખિત ગ્રંથો સચવાયેલા છે. જેમાં કાગળ પર લખાયેલા 25 હજાર અને તાડપત્રો પર લખાયેલા એક હજારથી વધુ ગ્રંથોનો સમાવેશ થાય છે.
જ્ઞાન પાંચમની પરંપરા સોલંકી કાળ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા મુજબ રાજા સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી પર ‘સિદ્ધહેમ’ વ્યાકરણ ગ્રંથની સવારી કાઢી હતી, ત્યારથી જ્ઞાનની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ હતી. દર વર્ષે જૈન સમાજ આ દિવસે પ્રાચીન ગ્રંથોનું પૂજન કરી જ્ઞાનનું મહત્ત્વ ઉજાગર કરે છે. આ પ્રસંગે જ્ઞાન ભંડારને લોકો માટે દર્શન અને પૂજા અર્ચના અર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ