રાજકોટ : કોળી સમાજના સ્નેહમિલન બાદ આંતરિક વિખવાદ: પૂર્વ સાંસદ ફતેપરાના નિવેદન સામે સમાજમાં રોષ
કુંવરજી બાવળિયાએ હવે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે, 2027માં ભાજપ ''જેન-ઝી'' નેતાઓને ટિકિટ આપશે અને તળાજાથી દિવ્યેશ સોલંકી મંત્રી બનશે: પ્રવીણ કોળીનો આક્રોશ રાજકોટ, 14 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના જસદણ તાલુકાના અમરાપુર ખાતે મંત્રી કુંવરજી બાવળિયાન
કોળી સમાજનું સ્નેહ મિલન


કુંવરજી બાવળિયાએ હવે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે, 2027માં ભાજપ 'જેન-ઝી' નેતાઓને ટિકિટ આપશે અને તળાજાથી દિવ્યેશ સોલંકી મંત્રી બનશે: પ્રવીણ કોળીનો આક્રોશ

રાજકોટ, 14 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના જસદણ તાલુકાના અમરાપુર ખાતે મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કોળી સમાજના સ્નેહમિલનમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાના નિવેદનથી સમાજમાં જ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ આ કાર્યક્રમને રાજકીય ગણાવી બાવળિયાની નિવૃત્તિની માંગ કરી છે અને આગામી ચૂંટણીમાં યુવા ચહેરાઓને તક મળશે તેવો દાવો કર્યો છે.

અમરાપુર ખાતે યોજાયેલા સ્નેહમિલન બાદ મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ 2027ની વિધાનસભા ચૂંટણીમાં કુંવરજી બાવળિયા જંગી લીડથી જીતીને ફરી મંત્રી બનશે તેવો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેમણે ટકોર કરી હતી કે ચૂંટણી સમયે એક-એક બેઠક પરથી 40-40 ફોર્મ ભરાય છે, પરંતુ સરપંચ, તાલુકા પંચાયત કે વિધાનસભા માટે જે ખરેખર લાયક હોય તેમણે જ ઉમેદવારી કરવી જોઈએ. ફતેપરાના આ નિવેદન બાદ કોળી સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ફતેપરાના નિવેદન પર પલટવાર કરતા કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ આ સ્નેહમિલનને સામાજિક નહીં પરંતુ રાજકીય ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે કુંવરજી બાવળિયાએ માત્ર પોતાની સાથે મનમેળ ધરાવતા નેતાઓને જ બોલાવ્યા હતા, સમાજને આ સંમેલન સાથે કોઈ લેવાદેવા નથી. બાવળિયા સમાજના નામે ચૂંટણી લડીને સમાજ સાથે જ રાજકારણ રમે છે અને ગાંધીનગરમાં વિદ્યાર્થી ભવન બનાવવાનો સાત વર્ષ જૂનો વાયદો હજુ પૂરો કર્યો નથી, તેથી હવે તેમણે નિવૃત્તિ લઈ લેવી જોઈએ.

પ્રવીણ કોળીએ વધુમાં જણાવ્યું હતું કે દેશ હવે યુવાનોના હાથમાં જઈ રહ્યો છે અને ભાજપ પણ હવે 'જેન-ઝી' નેતાઓને પ્રાધાન્ય આપી રહ્યું છે. ગાંધીનગરના મેયરની જેમ દરેક સમાજના યોગ્ય યુવા ઉમેદવારોને પાર્ટી ટિકિટ આપશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આગામી 2027ની ચૂંટણીમાં તળાજા બેઠક પરથી દિવ્યેશ સોલંકીની ટિકિટ નિશ્ચિત છે અને તેઓ ચૂંટાઈને મંત્રી પણ બનશે.

બીજી તરફ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ સમાજના હિત માટે પાર્ટી છોડવાની પણ તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે સમાજના ભવિષ્ય માટે કોઈપણ ત્યાગ કરવો પડે તો કરવો જોઈએ અને જો સમાજ યોગ્ય કારણો સાથે કહેશે તો તેઓ પાર્ટી છોડવાની પહેલ કરવા તૈયાર છે. આગામી ચૂંટણીમાં કોળી સમાજની વસ્તી મુજબ યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે દરેક રાજકીય પક્ષ પાસે ટિકિટની માંગણી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande