
- તા. ૧૧ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં પ્રવેશપત્રો જમા કરાવવાના રહેશે
જુનાગઢ, 14 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી જાન્યુઆરી-૨૦૨૭ ના પ્રથમ અઠવાડિયા દરમિયાન જૂનાગઢમાં ગુજરાત રાજ્યના યુવક અને યુવતીઓ માટે અખિલ ગુજરાત ગીરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ૧૪ થી ૧૮ વર્ષના વય જૂથ માટે જુનિયર વિભાગ અને ૧૯ થી ૩૫ વર્ષની વય મર્યાદાવાળા સ્પર્ધકો માટે સિનિયર વિભાગ રાખવામાં આવ્યો છે, જેમાં યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે.
સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો દરેક જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નં.૧, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ ખાતેથી વિના મૂલ્યે રૂબરૂ મેળવી શકાશે. આ ઉપરાંત, ફેસબુક આઈડી (Facebook Id - Dydo Junagadh) પરથી પણ પ્રવેશપત્ર ઓનલાઈન મેળવી શકાશે. ઇચ્છુક સ્પર્ધકોએ નિયત પ્રવેશપત્રો માંગ્યા મુજબની પૂરી વિગતો સાથે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ ખાતે કચેરીના ચાલુ દિવસો દરમિયાન તા. ૧૧/૧૨/૨૦૨૬ સુધીમાં પહોંચતા કરવાના રહેશે. સમય મર્યાદા બહાર મળેલા અથવા અધૂરી વિગતોવાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. સ્પર્ધાની નિયત તારીખ તેમજ પસંદગી પામેલા સ્પર્ધકોની યાદી ઉપરોક્ત ફેસબુક આઈડી પર મૂકવામાં આવશે અને વધુ વિગતો માટે કચેરીના ફોન નંબર (૦૨૮૫) ૨૬૩૦૪૯૦ પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ