ભુજના પાયરકા સીમમાં ફાયરિંગથી યુવકના મોતનો ચોંકાવનારો ખુલાસો: અકસ્માતે મોત ગણાવી પુરાવા હટાવવાનું કાવતરું, SOG-LCBએ ચારને ઝડપ્યા
લાઇસન્સવાળી બંદૂકથી શિકાર વખતે થયેલું ફાયરિંગ કાદર જતના મોતનું કારણ બન્યું હોવાની તપાસમાં વિગતો સામે આવી; હથિયાર જપ્ત ન થાય તે માટે દેશી બનાવટની બંદૂક મૂકી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કચ્છ, 14 નવેમ્બર (હિ.સ.) : કચ્છના ભુજ તાલુકાના પાયરકા ગામન
પાયરકા ફાયરિંગ કેસના આરોપીઓ


પાયરકા ફાયરિંગ કેસના આરોપીઓ


લાઇસન્સવાળી બંદૂકથી શિકાર વખતે થયેલું ફાયરિંગ કાદર જતના મોતનું કારણ બન્યું હોવાની તપાસમાં વિગતો સામે આવી; હથિયાર જપ્ત ન થાય તે માટે દેશી બનાવટની બંદૂક મૂકી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

કચ્છ, 14 નવેમ્બર (હિ.સ.) : કચ્છના ભુજ તાલુકાના પાયરકા ગામની સીમમાં યુવકના શંકાસ્પદ મૃત્યુના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસની SOG અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શરૂઆતમાં અકસ્માતે મોત તરીકે નોંધાયેલા આ બનાવ પાછળ શિકાર દરમિયાન થયેલું ફાયરિંગ અને ત્યારબાદ પુરાવા સાથે ચેડાં કરવાનું કથિત કાવતરું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય છ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

માનકુવા પોલીસ સ્ટેશનમાં ગત 4 નવેમ્બર, 2026ના રોજ પાયરકા વાડી વિસ્તારમાં કાદર હાસમ જતના મૃત્યુ અંગે અકસ્માત મોતની નોંધ કરવામાં આવી હતી. જોકે, ઘટનાની શંકાસ્પદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચનાથી SOG અને LCBએ તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, 3 નવેમ્બરની રાત્રે કાદર જત સહિત કેટલાક લોકો શિકાર માટે પાયરકા સીમ વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન ઇશા હુશેન જત પાસે રહેલી બંદૂકનું ટ્રિગર અચાનક દબાઈ જતાં ગોળી કાદરના માથામાં વાગી હતી અને ગંભીર ઇજાના કારણે તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ ઇજાગ્રસ્ત કાદરને વાડીમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયાની જાણ થઈ હતી.

પોલીસ તપાસમાં વધુ ગંભીર બાબત એ સામે આવી કે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક લાઇસન્સવાળી હોવાથી તેનો પરવાનો રદ ન થાય અને હથિયાર જપ્ત ન થાય તે માટે કેટલાક લોકોએ ભેગા મળીને કથિત રીતે પુરાવા બદલવાનું આયોજન કર્યું હતું. લાઇસન્સવાળી બંદૂકને છુપાવી તેના સ્થાને ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક મૂકીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હોવાની વિગતો બહાર આવી છે.

પોલીસે ઇશા હુશેન જત, આદમ ઇભલા જત, જુમા મુસા જત અને જાકબ દાઉદ જતની ધરપકડ કરી છે. અન્ય છ આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપીઓ પાસેથી એક અગ્નિશસ્ત્ર, 17 કારતૂસ અને છ મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાંથી જાકબ દાઉદ જત સામે અગાઉ પણ માનકુવા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીઓને માનકુવા પોલીસને સોંપવામાં આવ્યા છે. SOGના PI એ.ડી. પરમાર, LCBના PI એ.એમ. મકવાણા અને PSI ડી.બી. વાઘેલા સહિત બંને ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત કામગીરી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande