કચ્છની દીકરીઓના સશક્તિકરણમાં નવી ઓળખ ઊભી કરનાર અવનીબેન રાવલને ભાવભીની વિદાય, બઢતી સાથે રાજકોટમાં નવી જવાબદારી
શક્તિ લીડરશીપથી બાલિકા પંચાયત સુધી અનેક નવતર પહેલો દ્વારા મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે કચ્છમાં ઊભી કરી આગવી કાર્યશૈલી; હવે સૌરાષ્ટ્ર ઝોનના પ્રાદેશિક નાયબ નિયામક તરીકે સંભાળશે જવાબદારી કચ્છ, 14 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ ક
વિદાય કાર્યક્રમ


શક્તિ લીડરશીપથી બાલિકા પંચાયત સુધી અનેક નવતર પહેલો દ્વારા મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે કચ્છમાં ઊભી કરી આગવી કાર્યશૈલી; હવે સૌરાષ્ટ્ર ઝોનના પ્રાદેશિક નાયબ નિયામક તરીકે સંભાળશે જવાબદારી

કચ્છ, 14 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે પોતાની આગવી કાર્યશૈલી, નવીન વિચારો અને સમાજલક્ષી અભિગમથી વિશેષ ઓળખ ઊભી કરનાર જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલની હવે બઢતી સાથે રાજકોટ ખાતે બદલી થતાં તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. કચ્છમાં તેમના કાર્યકાળ દરમિયાન દીકરીઓ, કિશોરીઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, તેમનામાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવા અને સામાજિક જાગૃતિ લાવવાના હેતુથી હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો તેમની કામગીરીની વિશેષ ઓળખ બની રહી છે.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ ખાતે યોજાયેલા વિદાય સમારંભમાં વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ અવનીબેન રાવલ સાથેની કાર્યયાત્રાની યાદો તાજી કરી હતી અને તેમની સેવાઓને બિરદાવી હતી. હવે તેઓ સૌરાષ્ટ્ર ઝોનના પ્રાદેશિક નાયબ નિયામક તરીકે રાજકોટ ખાતે નવી જવાબદારી સંભાળશે.

કચ્છમાં તેમની કામગીરી દરમિયાન મહિલા અને બાળ વિકાસની પરંપરાગત યોજનાઓની સાથે સામાજિક પરિવર્તનને વેગ આપે તેવા કાર્યક્રમોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. 'શક્તિ લીડરશીપ' કાર્યક્રમ થકી દીકરીઓમાં નેતૃત્વ અને નિર્ણયશક્તિ વિકસાવવાના પ્રયાસો થયા, જ્યારે 'બાલિકા પંચાયત' દ્વારા ગ્રામ્ય વિસ્તારોની દીકરીઓને લોકશાહી પ્રક્રિયાનો અનુભવ મળે અને સામાજિક જવાબદારીની સમજ કેળવાય તે દિશામાં કામગીરી કરવામાં આવી હતી. 'યુવા સંવાદ'ના માધ્યમથી યુવા પેઢી સાથે સીધો સંવાદ સ્થાપિત કરી સામાજિક પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પણ નોંધપાત્ર રહ્યો હતો.

દીકરીના જન્મથી લઈને તેના ગૌરવ અને સન્માન સુધી સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવા 'દીકરી જન્મોત્સવ', 'પાંજી ધી પાંજી શાન', 'એક શામ બેટીઓ કે નામ' અને 'પ્રાઈડ વોક વિથ ડોટર' જેવા કાર્યક્રમો યોજાયા હતા. મહિલા ગ્રામસભા દ્વારા મહિલાઓની લોકશાહી પ્રક્રિયામાં ભાગીદારી વધારવા, 'મિશન ખાખી' દ્વારા દીકરીઓને પોલીસ અને સુરક્ષા ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરિત કરવા તથા 'કોફી વિથ કલેક્ટર' દ્વારા વહીવટી તંત્ર સાથે સીધો સંવાદ સાધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મહિલા અધિકારો, ઘરેલુ હિંસા અધિનિયમ, POSH એક્ટ, વિશાખા ગાઈડલાઈન, SHE BOX, મહિલા સુરક્ષા, સ્વરોજગાર અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરીને પણ વેગ મળ્યો હતો.

વિદાય સમારંભમાં કર્મચારીઓએ તેમના માર્ગદર્શન, સહકાર અને ટીમવર્કની ભાવનાને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છમાં મહિલાઓ અને દીકરીઓના સશક્તિકરણ માટે શરૂ કરેલી પહેલો તેમની કાર્યશૈલીની યાદગાર છાપ બની રહેશે. હવે રાજકોટ ખાતે નવી જવાબદારી સાથે તેમની વહીવટી કાર્યયાત્રાનો નવો અધ્યાય શરૂ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande