


- પૂર્વ સરપંચોનું સન્માન કરી ગામના વિકાસમાં યોગદાનને બિરદાવાયું.- લાભ પાંચમના શુભ અવસરે યોજાયો ભવ્ય પ્રતિમા અનાવરણ અને સ્નેહમિલન સમારોહ.
કચ્છ, 14 નવેમ્બર (હિ.સ.) : કચ્છના નિરોણા ગામમાં લાભ પાંચમના પાવન પર્વની ઉજવણી સામાજિક એકતા, સમરસતા અને ગૌરવપૂર્ણ પ્રસંગ સાથે કરવામાં આવી હતી. ગામમાં ભારતના બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રખર પ્રણેતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્નેહમિલન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના અગ્રણીઓ, મહાનુભાવો અને ગ્રામજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.
પ્રતિમાનું અનાવરણ જિલ્લા પંચાયત કચ્છની ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન એમ. ચાવડા અને જિલ્લા પંચાયત કચ્છના વિપક્ષી નેતા રાજેશભાઈ એમ. આહીરના હસ્તે કરવામાં આવ્યું હતું. બાબાસાહેબની પ્રતિમાના અનાવરણ સાથે ગામમાં તેમના વિચારો, સંઘર્ષ અને સમાજ પરિવર્તન માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ બાબાસાહેબના આદર્શોને જીવનમાં ઉતારીને સમાનતા અને ન્યાય આધારિત સમાજના નિર્માણ માટે આગળ વધવાનો સંદેશ આપ્યો હતો.
સમારોહ દરમિયાન નિરોણા ગામના વિકાસમાં અલગ અલગ સમયગાળામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર તમામ પૂર્વ સરપંચોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગામના વિકાસ માટે તેમણે આપેલી સેવાઓ અને યોગદાનને યાદ કરીને તેમનું અભિવાદન કરાયું હતું. આ સન્માન સમારોહ દ્વારા ગામના જાહેર જીવનમાં સેવા આપનારા આગેવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં નરેશભાઈ મહેશ્વરી, માવજીભાઈ મહેશ્વરી અને મોહનભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ નરોત્તમભાઈ આહીરે જણાવ્યું હતું કે બાબાસાહેબના શિક્ષણ, સમાનતા અને સામાજિક ન્યાયના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવા તેમજ ગામમાં પરસ્પર ભાઈચારો અને એકતાની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી એકતા સહારા સેવા ગ્રુપ અને નિરોણા જૂથ ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક જાગૃતિ સાથે ગામની એકતાની ભાવના પણ ઉજાગર થઈ હતી. લાભ પાંચમના શુભ દિવસે યોજાયેલો આ પ્રસંગ નિરોણા ગામ માટે યાદગાર બની રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar