
સહારા ગ્રુપના સન્માન સમારોહમાં પૂર્વ સરપંચની સેવાઓને કરાઈ યાદ, પુત્રી કમળાબેન વ્યાસે પિતાશ્રી વતી સન્માનપત્ર સ્વીકાર્યું
કચ્છ, 14 નવેમ્બર (હિ.સ.) : કોઈપણ ગામના વિકાસની ગાથામાં એવા અનેક સેવાભાવી લોકોનું યોગદાન રહેલું હોય છે, જેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગામના હિતને સર્વોપરી રાખીને વિકાસનાં મજબૂત પાયાનું નિર્માણ કર્યું હોય છે. આવા જ એક વ્યક્તિત્વ એટલે નિરોણા ગામના પૂર્વ સરપંચ સ્વર્ગસ્થ ડૉ. બી.ડી. આચાર્ય. ત્રણ ટર્મ સુધી સરપંચ તરીકેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી ગામના વિકાસ માટે પાયારૂપ કામગીરી કરનાર તેમના યોગદાનને આજે પણ ગામના લોકો યાદ કરી રહ્યા છે. તેમની આ સેવાઓને બિરદાવવા માટે સહારા ગ્રુપ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં વિશેષ રીતે તેમનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું.
નિરોણા ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના પૂર્વ સરપંચોની સેવાઓ અને તેમના કાર્યકાળ દરમિયાન થયેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વ. ડૉ. બી.ડી. આચાર્યનું સન્માન માત્ર એક વ્યક્તિનું સન્માન ન રહેતાં ગામના ઇતિહાસમાં વિકાસ માટે સમર્પિત રહેલા એક સેવાભાવી વ્યક્તિત્વ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર બન્યો હતો.
સ્વ. ડૉ. બી.ડી. આચાર્ય વતી તેમનાં પુત્રી કમળાબેન વ્યાસે સન્માનપત્ર સ્વીકાર્યું હતું. પિતાના જાહેરજીવનની સેવાઓને ગામ દ્વારા આ રીતે યાદ કરવામાં આવતાં તેઓ ભાવુક બન્યાં હતાં અને સહારા ગ્રુપના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે કમળાબેન વ્યાસ હાલમાં ભુજ સ્થિત કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ તરીકે સતત બીજી વખત જવાબદારી સંભાળી રહ્યાં છે. મહિલા કલ્યાણ અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રમાં તેઓ સક્રિય રહી પોતાની સેવાઓ આપી રહ્યાં છે. પિતાના સેવાકાર્યની વિરાસતને યાદ કરતો આ પ્રસંગ તેમના માટે પણ ગૌરવ અને લાગણીથી ભરેલો રહ્યો હતો.
સહારા ગ્રુપ દ્વારા પૂર્વ સરપંચોના યોગદાનને યાદ કરી તેમને સન્માનિત કરવાની પહેલ સમાજમાં સકારાત્મક સંદેશ આપનારી બની છે. ગામના વિકાસ માટે સમય અને શક્તિ સમર્પિત કરનાર વ્યક્તિઓને નવી પેઢી સમક્ષ યાદ કરવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. સ્વ. ડૉ. બી.ડી. આચાર્યનું સન્માન નિરોણાના સામાજિક ઇતિહાસમાં તેમની સેવાઓને ફરી એકવાર ઉજાગર કરતું યાદગાર સંભારણું બની રહ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar