
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે રાધનપુરમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરીને ત્રણ ચોરાઉ મોબાઇલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પાટણ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમે વાવ તાલુકાના વેજીયાવાસ ગામે રહેતા કાનજી ઉર્ફે કાના ભાટીને રાધનપુરમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી અલગ-અલગ કંપનીના કુલ રૂ.70,000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન કબજે કર્યા હતા.
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ આશરે 20 દિવસ પહેલાં રાધનપુરના વીર સાવરકર કોમ્પ્લેક્સમાં આવેલી જય અંબે મોબાઇલ દુકાનમાંથી રૂ.45,000નો ઓપ્પો મોબાઇલ ચોર્યો હોવાની કબૂલાત કરી હતી. આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત આશરે 18 દિવસ પહેલાં ભાભરના તિરુપતિ માર્કેટમાં આવેલી ઓમ મોબાઇલ દુકાનમાંથી રૂ.20,000નો ઓપ્પો મોબાઇલ ચોર્યો હોવાનું પણ કબૂલ્યું હતું. આ ચોરી અંગે ભાભર પોલીસ સ્ટેશનમાં ઇ-એફઆઇઆર નોંધાઈ હતી.
વધુ પૂછપરછમાં આરોપીએ આશરે 10 દિવસ પહેલાં થરાદમાં હનુમાન ગોલાઇ પાસે આવેલી ઓનલાઇન મોબાઇલ દુકાનમાંથી રૂ.5,000ની કિંમતનો વીવો મોબાઇલ ચોર્યો હોવાનું પણ જણાવ્યું હતું. આમ, પોલીસે રાધનપુર, ભાભર અને થરાદમાં બનેલી મોબાઇલ ચોરીની કુલ ત્રણ ઘટનાઓનો ભેદ ઉકેલી રૂ.70,000ના ચોરાઉ મોબાઇલ કબજે કર્યા છે. હાલ પાટણ LCB દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ