
કોલ ડિટેઇલ અને ટાવર લોકેશનના પુરાવા મળતા રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયની કડક કાર્યવાહી, હેડક્વાર્ટર રાજકોટ ગ્રામ્ય ખસેડાયું
જામનગર, 14 નવેમ્બર (હિ.સ.) :
જામનગરના નાઘેડી GIDC વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપાયેલા રૂ. 1.37 કરોડના દારૂના જથ્થા પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે. લિસ્ટેડ બુટલેગર રામ મોઢવાડિયા સાથે મેળાપીપણું રાખવાના આરોપસર રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયે તત્કાલીન LCB હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા છે. કોલ ડિટેઇલ અને ટાવર લોકેશનના આધારે આ કડક કાર્યવાહી હાથ ધરાતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગત 4 ઓક્ટોબર, 2026ના રોજ જામનગરના પંચકોશી-બી ડિવિઝન હેઠળ આવતા નાઘેડી ગામના GIDC વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ટીમે રૂ. 37.21 લાખની કિંમતની ઇંગ્લિશ દારૂની 10,409 બોટલો સહિત કુલ રૂ. 1,37,58,491નો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડા બાદ પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ બુટલેગર રામ ઉર્ફે રામકો જીવા મોઢવાડિયા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ હાઇ-પ્રોફાઇલ દારૂ પ્રકરણની તપાસ દરમિયાન પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. તપાસમાં ખુલ્યું કે તત્કાલીન LCBમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજાના મોબાઇલ પર મુખ્ય આરોપી રામ મોઢવાડિયાના ગામના વિસ્તારમાંથી અવારનવાર કોલ આવ્યા હતા. આ ઉપરાંત, આરોપી રામ મોઢવાડિયાની માતાના નામે નોંધાયેલા સિમકાર્ડ પરથી પણ ક્રિપાલસિંહને કોલ કરવામાં આવ્યો હતો. જે સમયે આ કોલ આવ્યો ત્યારે ક્રિપાલસિંહનું લોકેશન જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં હતું, પરંતુ કોલ પૂરો થયાની ગણતરીની મિનિટોમાં જ તેમનું લોકેશન દરોડાવાળા સ્થળ એટલે કે નાઘેડી ગામમાં નોંધાયું હતું.
ટેકનિકલ સર્વેલન્સ અને કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR)ની વધુ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. દરોડાની રાત્રે ક્રિપાલસિંહ જાડેજાનું ટાવર લોકેશન નાઘેડી વિસ્તારમાં જ હોવાનું સ્પષ્ટ થયું હતું, અને આ સમયગાળા દરમિયાન તેમના મોબાઇલ નંબર પરથી વોટ્સએપ અને ફેસબુક મારફતે કેટલાક કોલ થયા હોવાના પુરાવા પણ મળ્યા હતા. LCBના કર્મચારી તરીકે બુટલેગરની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવાને બદલે તેની સાથે જ સાંઠગાંઠ રાખી હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થયું હતું.
આ ગંભીર બેદરકારી અને બુટલેગર સાથેની મિલીભગતના પ્રાથમિક પુરાવા મળતા જ રાજકોટ રેન્જના DIG નિર્લિપ્ત રાયે લાલ આંખ કરી હતી. તેમણે તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો છે અને સસ્પેન્શન દરમિયાન તેમનું મુખ્ય મથક રાજકોટ ગ્રામ્ય ખાતે નક્કી કર્યું છે. હાલ DIG દ્વારા આ સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે, જેના પગલે આગામી દિવસોમાં અન્ય સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ સામે પણ કડક પગલાં લેવાય તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt