
-રેલ મંત્રાલયના નિર્ણયથી મુસાફરોને ભાડામાં આર્થિક રાહત મળશે
-વડોદરા-જામનગર ટ્રેનના જામનગર આગમન સમયમાં 10 મિનિટનો વધારો કરાયો
- વળતી ટ્રેનના સમયપત્રકમાં કોઈ ફેરફાર નહીં
જામનગર, 14 નવેમ્બર (હિ.સ.) : રેલ મંત્રાલય દ્વારા વડોદરા-જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસને સુપરફાસ્ટમાંથી એક્સપ્રેસ કેટેગરીમાં રૂપાંતરિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. 12 જાન્યુઆરી, 2027થી અમલી બનનારા આ ફેરફાર હેઠળ બંને દિશાની ટ્રેનોના નંબર બદલાશે અને મુસાફરોને ટિકિટ ભાડામાં ઘટાડાનો સીધો લાભ મળશે. આ ઉપરાંત, જામનગર સ્ટેશન પર ટ્રેનના આગમન સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ દોડતી વડોદરા-જામનગર અને જામનગર-વડોદરા ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસની કેટેગરીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલ મંત્રાલયની મંજૂરી બાદ હવે આ બંને ટ્રેનો સુપરફાસ્ટના બદલે સામાન્ય એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. આ નિર્ણયને કારણે મુસાફરો પરથી સુપરફાસ્ટ ચાર્જનું ભારણ હટશે અને ટિકિટના ભાડામાં ઘટાડો થશે, જે દૈનિક તથા નિયમિત મુસાફરો માટે મોટી રાહત સમાન સાબિત થશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાની યાદી મુજબ, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ હવે નવા નંબર 19029 સાથે વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે ઓળખાશે. આ ટ્રેનના જામનગર સ્ટેશન પર પહોંચવાના નિર્ધારિત સમયમાં 10 મિનિટનો ફેરફાર કરાયો છે. નવા સમયપત્રક મુજબ, આ ટ્રેન હાલના 23:30 કલાકના બદલે રાત્રે 23:40 કલાકે જામનગર સ્ટેશન પર પહોંચશે.
બીજી તરફ, વળતી દિશામાં દોડતી ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસનો નવો ટ્રેન નંબર 19030 રહેશે. તેને પણ હવે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે. જોકે, મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનના આગમન કે પ્રસ્થાનના સમયમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે તેના જૂના નિર્ધારિત સમય મુજબ જ સંચાલિત થશે.
આ તમામ ફેરફારો 12 જાન્યુઆરી, 2027ના રોજ પ્રારંભિક સ્ટેશનથી ઉપડતી ટ્રેનોથી લાગુ થશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આગામી મુસાફરીનું આયોજન કરતી વખતે સુધારેલા ટ્રેન નંબર અને નવા સમયપત્રકની ખાસ નોંધ લે. મુસાફરો ટ્રેનના સમય અને રૂટ અંગેની વધુ વિગતવાર તથા અદ્યતન માહિતી રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt