
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે સમસ્ત વોરા પટેલ સમાજ દ્વારા શ્રી કેશરભવાની ચેહરમાતાજીની મૂર્તિની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક માહોલમાં યોજાયેલા આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
આ પ્રસંગે સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શ્રી કેશરભવાની ચેહરમાતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ ઉપસ્થિત સંતો, મહંતો, સમાજના આગેવાનો, વડીલો અને ભક્તો સાથે મુલાકાત કરી હતી. ધારાસભ્યએ સમસ્ત વોરા પટેલ સમાજને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી અને ધાર્મિક પરંપરાઓ જાળવી રાખવા બદલ સમાજની સરાહના કરી હતી.
મહોત્સવમાં દાતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંતો-મહંતો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, યજમાનો, ગામના આગેવાનો, સરપંચ, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. સૌએ સાથે મળીને આ ધાર્મિક ઉત્સવને ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધા, એકતા અને સામાજિક સૌહાર્દનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ