
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના કારોડા ગામે એક્ટિવા ધીમે ચલાવવાનું કહેતાં યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે પ્રથમ ચાણસ્મા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી કિરણજી સરાનજી ઠાકોર તેમના ભત્રીજા સાથે બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન એક એક્ટિવા પૂરઝડપે તેમની નજીકથી પસાર થઈ હતી. ગામના બસ સ્ટેશન પાસે એક્ટિવા ઊભી જોવા મળતાં તેમણે ત્યાં જઈને ચાલકને કોની એક્ટિવા છે અને આટલી ઝડપે કેમ ચલાવો છો તે અંગે પૂછપરછ કરી હતી. ત્યારે જીગ્નેશ જયદિપજી ઠાકોરે એક્ટિવા ચલાવી હોવાનું જણાવ્યું હતું.
ફરિયાદ મુજબ, એક્ટિવા ધીમે ચલાવવાનું કહેતાં જીગ્નેશ જયદિપજી ઠાકોર, રવિ દશરથજી ઠાકોર અને અંકિતજી અમૃતજી ઠાકોરે ઉશ્કેરાઈને યુવક પર લાકડી, લોખંડની પાઈપ તેમજ ગડદા-પાટુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. આ અંગે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાતાં ચાણસ્મા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ