જામનગર-વડોદરા ઇન્ટરસિટી સુપરફાસ્ટ હવે 'એક્સપ્રેસ' બનશે, ભાડામાં ઘટાડો અને નંબરમાં ફેરફાર
12 જાન્યુઆરી, 2027થી નવા નંબર અમલી બનશે; વડોદરા-જામનગર ટ્રેન 10 મિનિટ મોડી પહોંચશે, વળતી ટ્રેનના સમય યથાવત જામનગર, 14 નવેમ્બર (હિ.સ.) : રેલ મંત્રાલયે વડોદરા-જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસને ''સુપરફાસ્ટ''માંથી ''એક્સપ્રેસ'' કેટેગરીમાં
જામનગર રેલવે સ્ટેશન


12 જાન્યુઆરી, 2027થી નવા નંબર અમલી બનશે; વડોદરા-જામનગર ટ્રેન 10 મિનિટ મોડી પહોંચશે, વળતી ટ્રેનના સમય યથાવત

જામનગર, 14 નવેમ્બર (હિ.સ.) :

રેલ મંત્રાલયે વડોદરા-જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસને 'સુપરફાસ્ટ'માંથી 'એક્સપ્રેસ' કેટેગરીમાં પરિવર્તિત કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી મુસાફરોને ભાડામાં સીધો ફાયદો થશે. 12 જાન્યુઆરી, 2027થી બંને દિશાની ટ્રેનોના નંબર બદલાશે અને વડોદરાથી આવતી ટ્રેનના જામનગર આગમન સમયમાં 10 મિનિટનો ફેરફાર અમલી બનશે.

રેલવે તંત્ર દ્વારા વડોદરા અને જામનગર વચ્ચે દોડતી દૈનિક ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની કેટેગરીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રેલ મંત્રાલયની મંજૂરી બાદ હવે આ ટ્રેન સુપરફાસ્ટના બદલે સામાન્ય એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડશે. કેટેગરી બદલાવાને કારણે સુપરફાસ્ટ ચાર્જ હટતા બંને તરફની મુસાફરીના ટિકિટ દરમાં ઘટાડો થશે, જેનાથી નિયમિત મુસાફરી કરતા હજારો મુસાફરોને આર્થિક રાહત મળશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ વિગતો આપતા જણાવ્યું કે, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ હવે 19059 નંબરથી વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે ઓળખાશે. આ ટ્રેનના જામનગર પહોંચવાના સમયમાં 10 મિનિટનો વધારો કરાયો છે. અગાઉ આ ટ્રેન રાત્રે 23:30 કલાકે જામનગર પહોંચતી હતી, જે હવે 23:40 કલાકે પહોંચશે.

બીજી તરફ, વળતી દિશામાં દોડતી ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસનો નવો નંબર 19060 રહેશે અને તે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે સંચાલિત થશે. જોકે, જામનગરથી ઉપડતી આ ટ્રેનના સમયપત્રકમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે તેના નિર્ધારિત સમયે જ દોડશે.

આ તમામ ફેરફારો 12 જાન્યુઆરી, 2027ના રોજ પ્રારંભિક સ્ટેશનથી ઉપડતી ટ્રેનોથી લાગુ થશે. મુસાફરોને આગામી મુસાફરીનું આયોજન કરતી વખતે નવા ટ્રેન નંબર અને સુધારેલા સમયની નોંધ લેવા જણાવાયું છે. ટ્રેનના અદ્યતન સમયપત્રક અને અન્ય વિગતો માટે રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી માહિતી મેળવી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande