



અંબાજી 14 નવેમ્બર (હિ.સ.) દિવાળીના તહેવારોના અંતિમ દિવસ તરીકે ઓળખાતા લાભપાંચમના પવિત્ર દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. આજે સવારે 6:30 કલાકે યોજાયેલી મંગળા આરતીથી જ મા અંબાના દર્શન માટે ભક્તોનો પ્રવાહ શરૂ થયો હતો. મંદિર પરિસરમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા.દિવાળી બાદ લાભપાંચમનો દિવસ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.
દિવાળીના તહેવારો દરમિયાન વેપાર-ધંધામાં રજા અને વિરામ બાદ લાભપાંચમથી બજારો ફરી ધમધમતા થાય છે. વેપારી વર્ગ માટે આ દિવસ જાણે મીની વેકેશન પૂર્ણ થવાનો અને નવા ઉત્સાહ સાથે ધંધા-રોજગાર શરૂ કરવાનો દિવસ માનવામાં આવે છે.ખાસ કરીને ગુજરાતભરમાંથી વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને શ્રદ્ધાળુઓ લાભપાંચમના પવિત્ર અવસરે મા અંબાના આશીર્વાદ લેવા અંબાજી પહોંચતા હોય છે. અનેક વેપારીઓ અંબાજીમાં પાંચ દિવસ સુધી રોકાણ કરીને માતાજીની ભક્તિ અને દર્શનનો લાભ લેતા હોય છે. મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી પોતાની પેઢી અને વેપાર-ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ, સમૃદ્ધિ અને ઉન્નતિ થાય તેવી પ્રાર્થના કરે છે.
આજે અનેક શ્રદ્ધાળુઓ હાથમાં ધજા અને અખંડ દીવો લઈને માતાજીના દરબારમાં પહોંચતા નજરે પડ્યા હતા. કેટલાક ભક્તો ભડજી મહારાજ સાથે નાળિયેર લઈને માતાજીના દર્શને પહોંચ્યા હતા. જ્યારે અનેક વેપારીઓ ચાંદીના સિક્કાની પૂજા કરાવી તેને પોતાની પેઢી પર સ્થાપિત કરવા માટે સાથે લઈ જતા જોવા મળ્યા હતા.
લાભપાંચમના દિવસે મા અંબાના દર્શન કરી નવા વર્ષના વેપાર-ધંધાની શુભ શરૂઆત કરવાની પરંપરા વેપારી વર્ગમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. માતાજીના આશીર્વાદ સાથે પોતાના વ્યવસાયમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સતત પ્રગતિ થાય તેવી ભાવના સાથે ભક્તો અંબાજીથી પરત ફરી રહ્યા છે.લાભપાંચમના પર્વ સાથે જ હવે ગુજરાતભરમાં વેપાર-ધંધાની ગતિવિધિઓ ફરી વેગ પકડશે અને બજારોમાં રાબેતા મુજબની ચહલપહલ જોવા મળશે. આમ, લાભપાંચમના પવિત્ર દિવસે અંબાજી ધામમાં ભક્તિ, શ્રદ્ધા અને વેપારી આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ