
સુરત, 15 નવેમ્બર (હિ.સ.): સુરતના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા (SMC)ના કથિત કર્મચારી સાથે મારપીટની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકો અને ફેરિયાઓએ આક્ષેપ કર્યો છે કે, આ વ્યક્તિ નશાની હાલતમાં આવીને રોજેરોજ પૈસાની માંગણી કરતો હતો અને ફેરિયાઓને પરેશાન કરતો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે.
વાયરલ વીડિયોમાં એક મહિલા ફેરિયાએ આક્ષેપ કર્યો હતો કે, સંબંધિત વ્યક્તિ વારંવાર આવીને પૈસા માંગે છે અને નશાની હાલતમાં હેરાનગતિ કરે છે. આ દરમિયાન અન્ય લોકોએ પણ તેની ઓળખ અંગે સવાલો ઉઠાવ્યા હતા અને ઓળખપત્ર બતાવવાની માંગ કરી હતી. વિવાદ વધતાં કેટલાક લોકોએ તેનો કોલર પકડી માર માર્યો હતો. વ્યક્તિ 'ઓન ડ્યુટી SMC' લખેલી બાઈક પર આવ્યો હોવાનું પણ વીડિયોમાં જોવા મળે છે.
ઘટનાની જાણ થતાં અલથાણ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એસ. જંબારેએ જણાવ્યું હતું કે, વીડિયો ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે, જોકે ઘટના તેમના પોલીસ સ્ટેશનની હદમાં આવે છે કે અન્ય વિસ્તારમાં તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે