
- જાગૃત નાગરિકની સતર્કતાથી રસ્તો ભૂલી ગયેલી બાળકી સુરક્ષિત બચી, રિક્ષાચાલક પાસે મૂકી જવાની જીદ કરતી હતી.
રાજકોટ, 15 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં એક અત્યંત સંવેદનશીલ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માતાની મમતાને લજવતા આ કિસ્સામાં એક માતાએ પોતાની આશરે 8 વર્ષની માસૂમ બાળકીને રસ્તા પર એકલી અને અસહાય હાલતમાં મૂકી દીધી હતી. જોકે, એક જાગૃત નાગરિકની સમયસરની સતર્કતા અને 181 મહિલા હેલ્પલાઇનની ત્વરિત કામગીરીને કારણે બાળકીનો સુરક્ષિત બચાવ થયો છે.
આજે 181 મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો. તેમણે જાણ કરી હતી કે શહેરના એક વિસ્તારમાં આશરે 8 વર્ષની બાળકી રસ્તા પર સતત રડી રહી છે. આ બાળકી રસ્તો ભૂલી ગઈ હોવાથી બસ સ્ટેશન જવાની જીદ કરી રહી હતી અને કોઈ રિક્ષાચાલક પાસે મૂકી જવાની વાત કરી રહી હતી. બાળકીની એકલતા અને સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને નાગરિકે તાત્કાલિક મદદ માંગી હતી.કોલ મળતાની સાથે જ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની રેસ્ક્યૂ ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે સૌપ્રથમ જાગૃત નાગરિક પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હતી. ત્યારબાદ, ગભરાયેલી અને રડતી બાળકીને પ્રેમપૂર્વક શાંત પાડીને સુરક્ષિત રીતે 181ની વાનમાં બેસાડી હતી.
કાઉન્સેલિંગ દરમિયાન બાળકીએ જણાવ્યું હતું કે તેના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને તેની માતા તેને અહીં મૂકીને જામનગર જવા માટે બસ સ્ટેશન ગયાં છે. બાળકીએ પોતે અગાઉ આ જ વિસ્તારમાં રહેતી હોવાનું અને જૂના ઘરનો રસ્તો યાદ હોવાનું જણાવ્યું હતું.બાળકીના જણાવ્યા મુજબ 181ની ટીમ તેને તે વિસ્તારમાં લઈ ગઈ હતી, પરંતુ શેરી-ગલીઓમાં પહોંચ્યા બાદ બાળકી ચોક્કસ ઘર ઓળખી શકી નહોતી. બાળકીએ માતાનું હુલામણું નામ જણાવતા સ્થાનિક લોકો પણ શરૂઆતમાં ઓળખી શક્યા નહોતા. જોકે, થોડી પૂછપરછ બાદ એક સ્થાનિક વ્યક્તિએ બાળકીને ઓળખી કાઢી હતી અને તેના દાદીનું ઘર બતાવ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે દાદી કામ પર ગયાં હોવાથી ઘરે તાળું હતું.
ત્યારબાદ 181ની ટીમે બાળકીના કાકાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. કાકાએ ફોન પર ચોંકાવનારો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બાળકીની માતા પુનઃલગ્ન કરવા ઇચ્છતી હોવાથી બાળકીને પોતાની સાથે રાખવા માંગતી નથી અને તેને અધવચ્ચે તરછોડીને જતી રહી છે. કાકાએ વધુમાં જણાવ્યું કે બાળકીના પિતાના અવસાન બાદ તેની મોટી બહેનની જવાબદારી પણ તેઓ જ સંભાળે છે. હાલ તેઓ બહારગામ હોવાથી સાંજે 5 વાગ્યે પરત ફરવાના હોવાનું જણાવી બાળકીને અન્ય સગાંસંબંધીઓને સોંપવા કહ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt