રાજકોટના જેતપુરમાં ભત્રીજા સાથેના આડા સંબંધોમાં કાકીની હત્યા
રાજકોટ, 15 નવેમ્બર (હિ.સ.) : જેતપુર શહેરમાં પરિવારની મર્યાદા અને લોહીના સંબંધોને કલંકિત કરતી એક અત્યંત કરુણ અને ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવાગઢ રોડ પર રેલ્વે ગરનાળા પાસે કેબીન પાછળ ફુલવાડી વિસ્તારમાં
હત્યા ફાઈલ ફોટો


રાજકોટ, 15 નવેમ્બર (હિ.સ.) : જેતપુર શહેરમાં પરિવારની મર્યાદા અને લોહીના સંબંધોને કલંકિત કરતી એક અત્યંત કરુણ અને ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવાગઢ રોડ પર રેલ્વે ગરનાળા પાસે કેબીન પાછળ ફુલવાડી વિસ્તારમાં ગત તા. ૧૧/૧૧/૨૦૨૬, બુધવારના રોજ સવારે ૧૧:૨૫ વાગ્યાના અરસામાં હકુબેન ભાવેશભાઈ પરમાર નામની મહિલાની ગળેટૂંપો આપી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતકના સગા ભાઈ અરવિંદભાઈ ઉર્ફે અશોક ઉર્ફે અરજણ કાળુભાઈ વાઘેલા (ઉં.વ. ૪૫, વ્યવસાય: મજૂરી, રહે. વરતેજ, નાની ખોડિયાર સામે, ઝૂંપડામાં, તા.જી. ભાવનગર) એ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજર થઈને ચાર આરોપીઓ વિરુદ્ધ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવેલી હકીકત મુજબ, ફરિયાદી અરવિંદભાઈના ચાર ભાઈઓ અને પાંચ બહેનોમાં સૌથી નાની બહેન હકુબેનના લગ્ન પાલીતાણા તાલુકાના હાથીયાધાર ગામે ભાવેશભાઈ પરમાર સાથે થયા હતા. હકુબેનને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે, જ્યારે તેમના પતિ ભાવેશભાઈ ટી.બી.ની બીમારીથી પીડાય છે. દરમિયાન, હકુબેનને તેમના જ સ્વર્ગસ્થ ભાઈ ધમાભાઈના દીકરા રવિ સાથે આડા સંબંધો બંધાયા હતા. કાકી અને ભત્રીજા વચ્ચેના આ અનૈતિક પ્રેમસંબંધોની જાણ સમગ્ર પરિવાર અને સગા-વ્હાલાઓને થઈ ગઈ હતી. પરિવારમાં આ સંબંધો કોઈને પસંદ ન હોવાથી ભારે નારાજગી પ્રવર્તી રહી હતી.

રવિની સગી બહેનો રાધાબેન અને મધુબેને અવારનવાર હકુબેનને રવિ સાથેના સંબંધો તોડી નાખવા માટે સમજાવ્યા હતા, પરંતુ હકુબેન કોઈનું માનવા તૈયાર નહોતા. આ બાબતે ભત્રીજીઓ અને કાકી વચ્ચે અવારનવાર નાના-મોટા ઝઘડાઓ થતા રહેતા હતા. આ ઘટનાના થોડા દિવસો પહેલા પણ રાધાબેન, મધુબેન, મધુબેનના પતિ લક્ષ્મણ અને તેમની સાથે રહેતા ભુપત વાઘેલાએ હકુબેન સાથે ઉગ્ર બોલાચાલી કરી મોટો ઝઘડો કર્યો હતો.

વારંવાર સમજાવવા છતાં હકુબેન ન માનતા હોવાથી આરોપીઓએ આ વાતનો ખાર રાખ્યો હતો.અંતે મૃતકની ભત્રીજીઓ (૧) રાધાબેન સૈયદ શેખ, (૨) મધુબેન લક્ષ્મણ ઉર્ફે લખો બાવાજી, (૩) મધુબેનના પતિ લક્ષ્મણ ઉર્ફે લખો પીરુનાથ બાવાજી અને (૪) ભુપતભાઈ પોપટભાઈ વાઘેલા (તમામ રહે. જૂનાગઢ) એ એકબીજાનો સમાન ઈરાદો પાર પાડવા માટે પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે ચારેય આરોપીઓએ ભેગા મળીને જેતપુરના ફુલવાડી વિસ્તારમાં હકુબેનને કોઈપણ રીતે ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ઘટના સમયે લાશની ઓળખ થઈ ન હોવાથી ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હતો. ત્યારબાદ તા. ૧૨/૧૧/૨૦૨૬ ના રોજ બપોરે જેતપુર સીટી પોલીસે મૃતકની ઓળખ મેળવી ભાવનગર ખાતે રહેતા તેના ભાઈ અરવિંદભાઈને ફોન દ્વારા જાણ કરી હતી. અરવિંદભાઈ તેમના પત્ની વસ્તુબેન, ભત્રીજા હરેશભાઈ અને પરિચિત ઉમાનગની અબ્દુલકાદીર માલકણી સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ હકુબેનનું મૃત્યુ ગળેટૂંપો આપવાથી થયું હોવાનું સ્પષ્ટ કરતા હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાયો હતો. જેતપુર સીટી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર સંજયકુમાર શર્મા (એસ.એચ. શર્મા) એ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧), ૬૧(૨) અને ૩(૫) મુજબ ગુનો નોંધી ગઈકાલે ચારેય આરોપીઓની વિધિવત ધરપકડ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande